‘બરાબર… પછી? પછી?’
‘પછી તો એણે મને જે સંભળાવી છે, એ સાત પેઢી સુધીય નહીં ભુલાય—’
‘તમને સંભળાવી?’
‘સંભળાવી તો તમને જ, પણ તમે તો હાજર નહોતા એટલે આ કીલાએ જ સાંભળવું પડે ને?’ કીલાએ રડમસ અવાજે કહ્યું.
‘માળો આ મજૂ૨ તો કોક અજબ માયા નીકળ્યો! ક૨વી મજૂરી ને મિજાજ રાખવો ખાંડીનો!’ મનસુખભાઈએ કહ્યું, ‘એણે સંભળાવી શું એ તો વાત કરો!’
‘એણે કીધું કે પાંચ રૂપરડી જેણે આપી હોય એના હાથમાં પછી પધરાવી આવ!—’
‘માળો માથાનો ફરેલ!’
‘ને વળી બોલ્યો, કે આ નોટ આપનારના કરતાં મેં વધારે રૂપિયા દીઠા છે!—’
‘માળાના મગજમાં સાચે જ રાઈ ભરી હશે!’
કીલાના વાક્યે વાક્યે મનસુખભાઈનો ઘવાયેલો અહમ્ વાચા પામતો જતો હતો અને ચંપા ઉત્તરોત્તર વધારે સંતોષ અનુભવતી જતી હતી. કીલો પોતે યોજેલી કપોલકલ્પિત કથની આગળ ચલાવતો જતો હતો:
‘એણે તો મોટા લખપતિની જેમ સંભળાવી દીધું કે આ રૂપરડી મોકલનાર માણસ જેવાને તો હું મારે ઘેર વાણોતરાં કરાવું એમ છું–’
ચંપાના ફૂલગુલાબી હોઠ ઉપર સંતોષ સૂચવતો મલકાટ ફરકી ગયો, જે ચકોર કીલા સિવાય કોઈના ધ્યાનમાં આવી ન શક્યો.
મનસુખભાઈએ પોતાના ઘવાયેલા અહમ્ની કડવાશ વ્યક્ત કરવા માંડી:
‘માળો આ તો સરોસર ફાટલ નીકળ્યો! દીકરો દળણાવાળીનો ને નામ ગુલાબદાસ જેવો કોક ઓટીવાળ હોવો જોઈએ! નહીંતર