બેસવું પડે ને ?’ કીલાએ કલ્પનાનો તુક્કો અડાવ્યો.
‘પણ મજૂરી કરતો કરતો ફર્સ્ટમાં ક્યાંથી પહોંચી ગયો હશે ?’
‘મને એ જ કૌતુક થાય છે.’
‘તમારે કાંઈક દીઠાફેર થઈ ગયો હશે. કીલાભાઈ !… કાંઈક સમજફેર… કોઈ ભળતા મોઢાનો માણસ—’
‘આ કીલો કોઈ દી છેતરાય એમ તમે સમજો છો, મનસુખભાઈ ?’
‘પણ તમે ઓલી પાકીટવાળી વાત એને પૂછી કે નહી ?’
‘એ સારુ તો મેં એનો કાન પકડ્યો’તો. તમે હુકમ કર્યો’તો કે ગમે ત્યાંથી ગોતી કાઢજો ને પાંચ રૂપિયા બક્ષિસના આપી દેજો, એટલે તો હું ચારેય દિશામાં નજર કર્યા કરતો’તો—’
ચંપા, ધીરજમામીની આડશે ઊભી ઊભી ઉત્કંઠ બની સંવાદ સાંભળી રહી.
‘પછી ? પછી તમે એને રૂપિયા આપી જોયા કે નહીં ?’ મનસુખભાઈએ અધીર અવાજે પૂછ્યું.
‘રૂપિયા આપી તો જોયા, પણ… પણ…’
‘પણ શું થયું ?’
‘આપતાં તો આપી જોયા, પણ પછી મને ભોંય ભારે પડી ગઈ—’
‘કેમ ભલા ? શું થયું !’ મનસુખભાઈએ ગભરાઈને પૂછ્યું. ‘પાંચ રૂપિયા એને ઓછા પડ્યા કે શું ?’
‘અરે, ઓછા શું પડશે ?’ કીલાએ કહ્યું. ‘એણે તો આવડું મોટું વડચકું ભરીને મારું મોઢું તોડી લીધું—’
‘હેં? શું કીધું? સરખી વાત તો કરો !’
‘મેં એને કીધું કે ઓલ્યા લાંબા ડગલાવાળા શેઠને ઘેર સામાન મેલવા ગ્યો’તો, ને ડગલામાંથી એનું પાકીટ પડી ગયેલું એ તેં પાછું સોંપી દીધું, એની ખુશાલીમાં શેઠે આ પાંચ રૂપિયા બક્ષિસના મોકલાવ્યા છે—’