આહીરાણી ચંપાનું મનોગત પારખી ગયાં તેથી કે પછી કશા ખ્યાલ વિના જ બોલ્યાં: ‘તું પણ હજી ક્યાં બહુ મોટી થઈ ગઈ છે! સાસરે નથી ગઈ ત્યાં લગી હજી બાળપણ જ ગણાય ને!’ અને પછી પોતાની સ્વભાવગત ઉદારતાથી કહ્યું: ‘આ પૂતળું તને ગમી ગયું હોય તો તું લઈ જા!’
સાંભળીને ચંપાનું હૈયું હરખાઈ ઊઠ્યું… પોતે જેની માગણી કરતાં શરમાતી હતી, એ વસ્તુ સામેથી જ આ રીતે વણમાગી આવી પડશે એવી તો એને કલ્પના પણ નહોતી.
‘ના, ના, આ તો બીજલને રમવા સારુ મોકલ્યું છે, હું કેમ લઈ જાઉં?’ કેવળ ઔપચારિક ઢબે ચંપા બોલી ગઈ.
‘અરે બીજલને તો ઘણાંય રમકડાં પડ્યાં છે… આ છુક છુક ગાડી છે, આ વિલાયતી વાજાં છે…’
ચંપા ફરી હરખાઈ ઊઠી. મનમાં વિચારી રહી, મારા હૈયાની વાત હીરીકાકી જાણી ગયાં છે કે શું! હું આટલી વાર મૂંગી મૂંગી ઊભી રહી એમાં એ મારા મનની વાત સમજી ગયાં હશે?
ચંપા હર્ષાનુભવ સાથે થોડો ભય પણ અનુભવી રહી.
‘લઈ જા, ગગી, લઈ જા!’
આહીરાણીએ આગ્રહપૂર્વક રમકડું આપ્યું, ‘બીજલને તો ઘરમાં ગાડું એક રમકડાં પડ્યાં છે.’
પ્રેમાળ આહીરાણીએ પ્રેમપૂર્વક આપેલી આ ભેટ ઉપર ચંપાએ સાડલાનો છેડો સંકોરી દીધો.
‘ઢાંકીને શું કામ લઈ જાશ?’ હીરબાઈએ કુતૂહલથી પૂછ્યું.
‘કોક જોઈ જાય તો?’
‘જોઈ જાય તો શું થઈ ગયું વળી? શું કોઈની ચોરી કરી છે?’
‘ના, ના, પણ કોઈ પૂછે, કે આ કોણે મોકલ્યું તો… તો.’
‘તો કહી દેવું, ચોખું ને ચટ, કે નરોત્તમ શેઠે મોકલ્યું છે…’