લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

⁠‘હાય હાય! એમ કહેવાય કોઈને?’ એટલું બોલીને ચંપા હસતાં હસતાં ઘર ત૨ફ જવા નીકળી.

⁠ચંપા શરમાતી-સંકોચાતી છતાં મનમાં હરખાતી હરખાતી ઘેર પહોંચી ત્યારે પણ કપૂરશેઠ અને સંતોકબા વચ્ચે ગંભીર ગુફતેગો ચાલુ જ હતી:

⁠‘દરબા૨ની ડેલીએ આવ્યા! ઠાકોરનો ભાગ વેચાતો લીધો !’ સંતોકબા હજી પણ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યાં હતાં. મને તો વાત ગળે ઊતરતી નથી—’

⁠‘મનેય પરથમ તો નહોતી ઊતરતી, પણ નરભા ગોરે કીધું તંયે સાચું માનવું પડ્યું,’ કપૂરશેઠ ગમગીન અવાજે કહેતા હતા.

⁠‘પણ ગામધણીનો માલ જોખવો એ કાંઈ રમત વાત કોથળિયુંમાં કસ જોઈએ—’

⁠‘હશે જ. કોથળિયું ઠલવ્યા વિના તે આવડો મોટો વેપાર થોડો થઈ શકે’?

⁠‘પણ કોળિયું ઠલવવાનું એનું ગજું છે, ખરું? દીવાળું કાઢ્ય પછી તો સાવ ભૂખ ભેગા થઈ ગયા’તા—’

⁠“મનેય એ જ કૌતક થાય છે.’ કપૂરશેઠ બોલતા હતા, ‘હમણાં હું ધોલેરે ગયો તો તંયે ખબર પડી કે સંધોય કપાસ ઓતમચંદે ટકો ઊંચો ભાવ આપીને ખંડી લીધો છે—’

⁠‘સાચું કહો છો?’

⁠‘હા, બજારમાં આજે ઓતમચંદની હૂંડી નગદ નાણાં જેવી ગણાય છે,’ કપૂરશેઠ કોચવાતે હૈયે કબૂલ કરતા હતા. ‘આજ સુધી સુરતવાળા આત્મારામ ભૂખણની હૂંડીના ભાવ ઊંચા બોલાતા, હવે વાઘણિયાની હૂંડીની સાખ વધી છે.’

⁠‘પણ આટલો બધો માલ લઈ નાખે છે ક્યાં?’

⁠‘વિલાયત ચડાવે છે, એમ વાત સાંભળી છે—’

૩૨૦
વેળા વેળાની છાંયડી