એને સમજાયું કે પોતાના નિકટ સાથી સમક્ષ હવે આ નાટક ભજવવું યોગ્ય ન ગણાય. મંચેરાશા જેવા દિલસોજ માણસને વિશ્વાસમાં લેવાનું મુનાસિબ લાગતાં એણે નિખાલસપણે બધો ઘટસ્ફોટ કરી નાખ્યો.
બે સરલહૃદય યુવકયુવતી વચ્ચે… બે મુગ્ધ વિરહાત્માઓ વચ્ચે આવી સંજ્ઞાત્મક વસ્તુઓ વડે થયેલ આ સંદેશ-વિનિયમની વાત સાંભળી મંચેરશાનો હમદર્દ આત્મા હલમલી ઊઠ્યો:
‘શાબાશ, ડીકરા, શાબાશ!’ કહીને એ જરથોસ્તી જીવ પોકારી ઊઠ્યા: ‘તું બી ખરો છૂપો રૂસ્તમ નીકલિયો, હોં! તેં બી કમાલ નાતક ભજવી નાખિયા! પેલો બિચારી મનસુખલાલ તો તને હજી પરભુલાલ સમજીને એ જ તારી જૂની ફિયાન્સી જોડે અદરાવવા માગે છે! બિચારાની રેવડી દાણાદાણ કરી નાખવાનો તું—’
‘જોઈએ હવે, આમાં કોની રેવડી દાણાદાર થાય છે, એ.’ નરોત્તમે કહ્યું, ‘કદાચ મારી જ રેવડી થઈ જાય એવું જોખમ છે—’
‘હવે તો તું ને કીલો બેઉ જણા અદરાવાના થિયા. જોઈએ, હવે બેમાંથી કોન પહેલો પન્ની જાય છે—’
‘કીલાભાઈએ જ પહેલાં પરણવું જોઈએ—’
'કીલો તો હવે પન્ની રિયો—’
‘શા માટે? તમારે એમને સમજાવવા જોઈએ—’
‘એ હવે સમજે એમ લાગતું નથી,’ મંચે૨શાએ જરા વિચાર કરીને કહ્યું, ‘એણે તો સાધુબાવા પાસે બ્રહ્મચર્યની દીક્ષા લીધી છે ને!’
નરોત્તમ માટે આ સમાચાર સાવ નવા હતા. મંચેરશાને મોઢેથી કીલા વિશેની આ નવી વિગત સાંભળીને એ ચોંકી ઊઠ્યો. એ પૂછવા લાગ્યો: ‘ક્યારે? ક્યારે દીક્ષા લીધી છે? કોની પાસે દીક્ષા લીધી છે.’
‘એ તો ઘરબાર છોડીને પાંચ વરસ સુધી બહાર ચાલ્યો ગયો હતો ને? ત્યારે બડરી-કેડા૨માં કોઈ બાવાજી ભેટી ગયેલા ને એની જોડે ભભૂત ચોળીને બેસી ગયેલો—’