‘પણ તો પછી કરવું શું કીલાભાઈ? મને તે આમાં કાંઈ સર્ય નથી સૂઝતી—’
'છોરુ વચ્ચે એવા વિજોગ પડાવીએ, તો પાપ ન લાગે?’ કીલો હજી રોષભર્યા અવાજે બોલી રહ્યો હતો.
‘નસીબમાં જે વિજોગ લખ્યા જ હશે, તો તો…’ ડોસાની જીભના લોચા વળવા લાગ્યા. ‘જનમનારના છઠ્ઠીના લેખમાં જ જો લખ્યું હશે…’
‘લેખ ઉપર મેખ મારશું, કાકા!’ કીલાએ ગર્વભેર કહ્યું.
‘કેવી રીતે?’ ડોસા પૂછતા રહ્યા. ‘પણ કેવી રીતે?’
‘જુવો. તમને કબૂલ હોય તો હું મોંઘીનો હાથ ઝાલવા તૈયાર છું.’ કીલો બોલી ગયો, ‘હું એને પરણી જઈશ, ને કહીશ કે આ મારું જ સંતાન છે—’
ડોસો તો ફાટી આંખે કીલા સામે તાકી જ રહ્યો. પોતે જે શબ્દો સાંભળ્યા એ સાચા હોવા વિશે એમને શ્રદ્ધા ન બેઠી. ચારેય તરફ દુઃખથી ઘેરાયેલા માણસને સુખની આછેરી ઝલક દેખાતાં જેમ ભ્રાંતિ ઊભી થાય, એવી જ સ્થિતિ જૂઠાકાકાની થઈ પડી, ‘તમને કબૂલ હોય તો હું મોંઘીનો હાથ ઝાલવા તૈયાર છું,’ આ શબ્દો સાચે જ ઉચ્ચારાયા હતા કે પછી કેવળ કાનમાં ભણકારા ઊડ્યા હતા એ અંગે ડોસાના મનમાં સંભ્રમ પેદા થયો.
‘મીઠીબાઈસ્વામીનો ઉપદેશ ભૂલી ગયા?’ કીલાએ ફરી પોતાની લાક્ષણિક ઢબે એક સુવાક્ય ટાંક્યું: ‘જીવ-પુદ્ગળને જાકારો દઈએ તો પાપમાં પડીએ—’
ડોસો તો પુલકિત હૃદયે આ માણસ સામે જોઈ જ રહ્યો.
‘બાળક નમાયું ગણાય એનો વાંધો નહીં, પણ કોઈ જીવ બાપ-વિનાનો ઠરે તો એ બહુ હીણું કહેવાય.’ કીલો સમજાવતો હતો: ‘મોંઘીના બાળકને હું મારું જ બાળક ગણીશ.’