૪૪
શારદાને ઘેર ચંપા, નરોત્તમ અને શારદાની ત્રિપુટી વચ્ચે સરસ
ગોષ્ઠી ચાલી રહી હતી. અગાઉ વાઘણિયામાં વાસ્તુમુહૂર્ત પ્રસંગે નવી મેડીના માઢિયામાં ત્રણ મુગ્ધ હૃદયોની ત્રિપુટી વચ્ચે જે મિજલસ જામેલી, એવી જ આ મિજલસ હતી. માત્ર એમાં જસીનું સ્થાન અત્યારે શારદાએ લીધું હતું, એટલો જ ફેર.
આ હૃદયત્રિપુટી વચ્ચેની ચર્ચાનો વિષય પણ પ્રણયકલહ જેવો ઉગ્ર છતાં હૃદયંગમ હતો. નરોત્તમ સામે ચંપાની ફરિયાદ એ હતી કે ‘તમે સ્ટેશન ઉપરથી મારો સરસામાન શા માટે ઊંચક્યો?’
નરોત્તમનો બચાવ એ હતો કે ‘મજૂર માણસને કોઈ પણ ઉતારુની મજૂરી કરવાનો અધિકાર છે.’
‘પણ તમે ખરેખર મજૂર તો હતા જ નહીં?’ ચંપાએ કહ્યું.
‘મજૂરમાં વળી ખરો મજૂર ને ખોટો મજૂર હોઈ શકે?’ નરોત્તમે સામી દલીલ કરી.
‘જો તમે ખરા મજૂર હતા, તો ફરી કોઈ દિવસ સ્ટેશન ઉપર કેમ દેખાયા નહીં?’
‘તમને શી રીતે ખબર પડી કે હું ફરી કોઈ દિવસ સ્ટેશન ઉપર નહીં દેખાયો હોઉં?’
‘અમે રોજ સવારમાં જ છાની તપાસ કરતાં. હું ને મામી —’
ચર્ચાના આવેશમાં ચંપાથી બોલતાં તો બોલાઈ ગયું, પણ પછી એને તુરત ખ્યાલ આવ્યો કે આ ‘છાની તપાસ’ની વાત આમ ખુલ્લી કરી દેવામાં ઔચિત્ય નથી જળવાતું, તેથી તે શ૨માઈ ગઈ.