વેણ ઉચ્ચારી નાખીને ભોજાઈને દૂભવેલી એનું જ આ પરિણામ આવ્યું, એમ સમજતાં લાડકોરે થોડો પશ્ચાત્તાપ પણ અનુભવ્યો. હવે ભાઈ-ભોજાઈનાં ઝટપટ મનામણાં થઈ જાય ને આ મંગળ પ્રસંગે બંને જણાં આવી પહોંચે તો સારું એમ લાડકોર મનમાં ભાવના ભાવી રહી.
બરોબર એ જ વખતે દકુભાઈને ઘે૨ ઓતમચંદ પોતાના સાળાને પગે પડીને વાસ્તુપૂજનમાં આવવા વીનવી રહ્યો હતો, ગઈગુજરી ભૂલી જવા કહી રહ્યો હતો, લાડકોરના ઉદ્દંડ વર્તાવ બદલ પોતે માફી માગી રહ્યો હતો.
પણ કજિયાખોર સમરથ અને દોણીફોડ મુનીમે કાચા કાનના દકુભાઈના મનમાં એવું તો ભૂત ભરાવી દીધેલું કે ઓતમચંદની ખેલદિલીની કદર થઈ શકી જ નહીં.
લાડકોર ઉત્કંઠ બનીને દકુભાઈના ઘર તરફના રસ્તા પર નજર માંડી રહી હતી અને પતિની સાથે આવનાર પોતાના સગા ભાઈની પ્રતીક્ષા કરી રહી હતી પણ આખરે એણે એકલા ઓતમચંદને જ આવતો જોયો.
સાળાને ઘેરથી નિરાશ થઈને આવતા ઓતમચંદના પગ જાણે કે ભાંગી ગયા હતા.
✽