પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

લલિત વાઙ્‌મયના કોઈ પણ સ્વરૂપની રસદાયકતા એ એનો પ્રધાન અને નિર્ણાયક ગુણ ગણાય, પરંતુ રસાસ્વાદ અને રસમીમાંસા એ બે અલગ જ વસ્તુઓ છે. આ પાછલો વ્યવસાય શુષ્ક છે, પરંતુ તેને જરૂરી એટલા માટે ગણવામાં આવે છે કે, રસોત્પાદક અંગો કે તત્ત્વોનાં પૃથક્કરણને પરિણામે રસાસ્વાદની માત્રા વધુ તીવ્ર અને તેની અસર વધુ સ્થાયી અને વધુ પરિતોષજનક બને છે, આ દૃષ્ટિએ આ નવલકથામાં જે ગુણો મને દેખાય છે તે ટૂંકામાં આવા છે:

ટૂંકી વાર્તા તેમજ નવલકથામાં કેટલાક લેખકો તેમજ વિવેચકો વસ્તુસંકલના-Plot-anecdoteનું નિર્ણયાત્મક પ્રાધાન્ય લેખે છે. પ્રાધાન્યનો ઇન્કાર તો કોઈથી કરી શકાય નહીં, પણ તેને નિર્ણયાત્મક ગણવાનું મને યોગ્ય નથી લાગતું, જીવનમાં તેમજ કથાઓમાં આપણે સાવ સામાન્ય લાગે દિલધડક-dramatic—જરાય ન લાગે એવા પ્રસંગોમાં પણ અન્યથા જરાય ધ્યાન ન ખેંચે એવા માણસો કે પાત્રોને સમાચાર કે દુરાચારની દૃષ્ટિએ અસામાન્ય રીતે વર્તતાં જોઈએ છીએ; અને એવો તેમનો–વાણી કે કાર્યનો—વર્તાવ પોતે જ ચિત્તાકર્ષક અને યાદગાર બની જાય છે, એટલે નાટકી પ્રસંગયોજના કે વસ્તુસંકલના લેખકની પાત્રાલેખન, વર્ણન, સંવાદ વગેરેને લગતી શક્તિઓનો ઉત્કર્ષ દાખવવાને વધુ તક પૂરી પાડે છે એટલી જ તેની મહત્તા લેખી શકાય. પરંતુ એ વિના વાર્તા જામે જ નહીં એમ નિરપવાદ રીતે ન કહી શકાય.

એ વિવાદને બાજુએ રાખતાં આ નવલકથાની વસ્તુસંકલના વિશે સાનુકૂલ કે પ્રતિકૂલ અભિપ્રાય ઉચ્ચારવાનું મને શક્ય કે જરૂરી નથી લાગતું.

લેખકે બતાવ્યું છે તેમ આ નવલકથા મૂળ તો તેમની એક નવલિકા પરથી ઊપજી છે; અને એ નવલિકામાં કથાપ્રસંગોનું માત્ર કલેવર જ રજૂ થઈ શક્યું હશે; છતાં, એ દૃષ્ટિએ પણ તે ઘણાંને સંતોષકારક લાગી હતી. એટલે, કથાની વસ્તુસંકલનાને ગુણવિશેષનું પ્રમાણપત્ર ન આપતાં સંતોષકારક ગણીને; વસ્તુસંકલનમાં જે એક વસ્તુ અન્યથા ગૌરવાન્વિત એવી આ કથાને