પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પડતાં ચંપાએ રસોડામાંથી ડોક ઊંચી કરીને જાળિયામાંથી જોયું તો ટપાલીને બદલે એક રુક્ષ ચહેરાવાળો માણસ લઘરવઘર વેશે ઊભો હતો. ચંપા તો એને ઓળખી ન શકી પણ ત્યાં તો હિંડોળે હીંચકતા પિતાજીએ એને ‘આવો, આવો, મકનજીભાઈ’ કહીને આવકાર આપ્યો એ ઉપરથી સમજાયું કે આ તો વાઘણિયામાં જોયેલો એ ઓતમચંદ શેઠનો મુનીમ છે.

‘કેમ, કાંઈ ઓચિંતા જ આ તરફ ?’ મહેમાનને આસન આપ્યા પછી કપૂરશેઠે પૂછ્યું.

‘જાતો’તો ઈશ્વરિયે… દકુભાઈને ઘેર… કીધું કે કપૂરબાપાને જેજે કરતો જાઉં…’

‘ભલે, ભલે આવ્યા… તમારું જ ઘર છે…’ કહીને કપૂરશેઠે રસોડા ત૨ફ મોઢું ફેરવીને હુકમ છોડ્યો: ‘અરે સાંભળ્યું કે ? મકનજીભાઈ આવ્યા છે… પાટલા નાખજો…’ અને પછી મહેમાનને ભોજન માટે તૈયાર થવા સૂચવ્યું: ‘હાલો, ઊઠો, હાથમોઢું ધોઈ લો, સૂઝતા આહાર ઉપર જ તમે આવી પૂગ્યા છો.’

જમતાં જમતાં વાઘણિયાની વાત નીકળી. ઓતમચંદ ઉપર આવી પડેલી અણધારી આપત્તિ અંગે મકનજીએ સિફતપૂર્વક પોતાનો શોક વ્યક્ત કર્યો. કપૂરશેઠ આ નાજુક પ્રશ્ન છેડવા નહોતા માગતા, છતાં પોતાના વેવાઈ વિશે સાચી હકીકત જાણવાનું કુતૂહલ પણ રોકી શકતા નહોતા. એમણે હોશિયારીપૂર્વક આ વાત છેડી:

‘ઓતમચંદ શેઠને આટલો મોટો મા૨ કેમ કરતાં લાગી ગયો ?’

‘વધારે પડતો પથારો કરી બેઠા એનાં આ પરિણામ,’ મકનજીએ એક પછી એક કારણ રજૂ કરવા માંડ્યાં. ‘લાભ થાય એમ લોભ વધે. માણસ લખપતિ હોય તો કરોડપતિ થવાનું મન થાય. ઓતમચંદ

૯૪
વેળા વેળાની છાંયડી