પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

શેઠને પણ અમે બહુ વાર્યા કે ભાઈ, ઝાઝો પથારો કરવો રહેવા દિયો, ઝાઝા વેપારમાં ઝાઝું જોખમ, પણ તૃષ્ણા એવી ચીજ છે કે માણસનું મન હાથ ન જ રહે…’

કપૂ૨શેઠ જે ખુલાસો સાંભળવા ઉત્સુક હતા એ વિશે તો મુનીમ એક હરફ પણ ઉચ્ચારતો નહોતો તેથી એમણે પોતે જ એ નાજુક પ્રશ્ન છેડ્યો:

‘આમાં દકુભાઈને કોઈ—’

‘અરે દકુભાઈ વળી એટલા નસીબદાર સમજો કે વેળાસર છૂટા થઈ ગયા. નહીંતર તો આમાં દકુભાઈને શકોરું લેવાનો વારો આવત…’

મકનજીની એક આંખ જમવાની થાળી ઉપર હતી, બીજી આંખ ઊના ઊના ફૂલકા પીરસી રહેલી જસી ઉપર હતી. એક જ બટકે ઉદરસ્થ થઈ જતા એ ઘીમાં તરબોળ ફૂલકાનાં વખાણ કરવાં કે સબ સબ ક૨ીને ચાલતી અને વીજ-ઝબકારા કરતી જસીનાં વખાણ કરવાં, એ મકનજીને માટે મહા વિકટ કોયડો થઈ પડેલો. ઉત્તરોત્તર વધારે ઝડપથી એ રોટલી પર હાથ મારી રહ્યો હતો અને પી૨સવા માટે હ૨ફર કરી રહેલી જસીને ઝીણી નજરે અવલોકી રહ્યો હતો. કોળિયે કોળિયે બિસ્મિલ્લાહ પોકા૨ના૨ની જેમ મકનજી પણ રોટલીને બટકે બટકે મનમાં ઝંખી રહ્યો હતો: આ બાઈનું ભાગ્ય દકુભાઈના બાલુ હારે જોડાય તો રંગ રહી જાય !

‘કેમ ધીમા પડવા, મકનજીભાઈ ?’ ફૂલકા ઝાપટવાની મુનીમની ઝડપ જરી ધીમી પડી હોવાનો વહેમ જતાં કપૂરશેઠે ટકોર કરી.

આ ટકોર થઈ ત્યારે જ મકનજીને ખ્યાલ આવ્યો કે પોતે જસી અને બાલુની જોડી જોડવાના ઘોડા ઘડી રહ્યો હતો એ દરમિયાન થાળી પર ઝાપટ બોલાવનાર એનો હાથ જરા ધીમો પડી ગયો હતો. પણ તુરત એણે બમણી ઝડપ કરીને, થાળીમાં એકઠી થઈ ગયેલી રોટલીનો જથ્થો સાફ કરી નાખ્યો.

હું તો વાત કહું સાચી
૯૫