પૃષ્ઠ:Venina Ful.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૨

આલ્ફ્રેડ હાઇસ્કુલ, વગેરે સંસ્થાઓના શિક્ષક શિક્ષિકાઓ તેમજ વિદ્યાર્થી ભાઇ-બ્હેનોની સમક્ષ આમાંના ગીતો ગાઇ બતાવતાં એ તમામે આ રચનાઓ પર અત્યંત પ્રેમ દર્શાવેલ છે. અને તે પરથી વિશ્વાસ બેઠો છે કે આ ‘વેણીનાં ફુલ’ વગડાઉ હોવા છતાં પણ અન્ય ઘણાં ભાઇ-બ્હેનોને મનગમતાં થઇ પડશે.

મેં આ ગીતોની ભાષામાં કાઠીઆવાડી શબ્દો વાપરવાની તો સકારણ જ છૂટ લીધી છે. સાહિત્યને પ્રાંતિક બનાવવાનો હેતુ નથી. પણ તેથી ઉલટું જે પ્રાંતિક છે તેને સમગ્ર ગુજરાતનું ભાષાધન બનાવવાનો શુદ્ધ અભિલાષ છે. અને ગુણપ્રેમી ગુજરાતે પણ એ ભેટનો સ્વીકાર ક્યાં નથી કર્યો? એણે ક્યાં ના પાડી છે? પણ બીજે પણ એક છૂટ મેં લીધી છે: કાઠીઆવાડી પ્રત્યયો લગાડવાની : દાખલા તરીકે બહુવચનમાં ‘ઓ’ ને બદલે ‘યું’ , તેજ રીતે ‘ગહ્‌વર’ જેવા શબ્દને ‘ગોહર’ બનાવી દીધેલ છે. આમાં પણ પ્રાંતિકતાનો આગ્રહ નહિ, પણ કાવ્યમાં લેવાતી અન્ય સ્વતંત્રતાઓ અનુસાર કાવ્યને વધુ ગેય બનાવવાનો જ હેતુ છે.

મહિલા વિદ્યાલયના સંચાલકો તથા શિક્ષક બંધૂઓએ સાચા હૃદયથી મારા આ પ્રયાસોમાં રસ લીધો છે, ભૂલો સુધરાવી છે ને ગુણો પર ઉમળકા બતાવ્યા છે. એમના પ્રોત્સાહન વિના આ પરિણામ આટલું વ્હેલું ન જ આવ્યું હોત. તે સિવાય વિદ્યાલયની બ્હેનોના મમત્વની સાક્ષી તો આ પુસ્તકનું સમર્પણ જ પૂરશે.

ઝવેરચંદ મેઘાણી

ભાવનગર ચૈત્ર : ૧૯૮૪