પૃષ્ઠ:Veranman.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
વેરાનમાં
 

સજા કરનારા ન્યાયમૂર્તિનો જ આ એકરારઃ એ એકરારને ઉપરાઉપરી ત્રણ ગવર્નરો ઘોળીને પી ગયા.

×

૧૯૩૧ ની સાલ આવી. ટોમ મુનીને કહેવામાં આવ્યું: “તને પેરોલ પર છોડવામાં આવશે. ફક્ત તારે અઠવાડીએ એક વાર પોલીસ ચોકી પર રજુ થઈ આવવું.”

ટોમે ના પાડી. એણે જવાબ આપ્યો : “હું જો પેરોલ સ્વીકારું, તો તો લોક એમ જ માનવાના કે મેં ગુનો કબૂલ કરી લીધો છે. એવી કલંકિત મુક્તિ મારે નથી જોઈતી. મેં એ હત્યા કરી નથી. એ હત્યાકાંડની જોડે મારે કશી જ નિસ્બત નહોતી. એટલી વાત પુરવાર ન થાય ત્યાં સુધી મારૂં સ્થાન અહીં જ હોય. ઈન્સાફનો આખરે વિજય જ થશે.”

મુનીની મુક્તિનું આંદોલન વધ્યું. આખા સંસ્થાન ઉપર એ મોજું ફરી વળ્યું. છુપી પોલીસનો વડો, મોટા ધર્મગુરુઓ, બીજી માતબર સંસ્થાઓ ને છાપાંઓ, તમામના સૂર સંયુક્ત બન્યા. બધું જ વ્યર્થ હતું.

×

મુકદમો ચલાવનાર જજ ફ્રેન્કલીન આજે સાત વર્ષોથી મુનીના છુટકારાના આંદોલનનો અગ્રણી બન્યો છે. એ તો કહે છે કે –

“પ્રભુ ઈસુની બાબતમાં હાથ ધોઈ નાખનાર પેલા પોન્ટીઅસ પાઈલેટની પેઠે મારે મારા હાથ ધોઈને જ નથી બેસી રહેવું. હું તો આ બેઉને છોડાવ્યા પછી જ જંપીશ.”

૧૯૩૪ માં મુની પર ફરીથી કામ ચલાવવામા આવ્યું: અને જ્યુરીએ એને નિર્દોષ જાહેર કર્યો. છતાંય મુની કેદમાં સડે છે.