પૃષ્ઠ:Veranman.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪

વિલાસની વસ્તુ છે. આવી માન્યતાઓ જ દૈનિક પત્રકારત્વને એક શુષ્ક, શૂન્ય, સળગતા વેરાનનું સ્વરૂપ આપનારી છે. આવી માન્યતાઓએ જ પત્રકારત્વની ચેતના-વિધુતને કેવળ સંહાર માટે, તમતમાટને માટે, ભજીઆં તળવાના તાવડા તપાવવા માટે નિયોજી છે. એ એક વિકૃત અને વિઘાતક માન્યતા છે.

રતિભાર સત્ય અને ખાંડી ખાંડી પ્રચારવેગ : પ્રજાના ચિરસ્થાયી વિચારભાવોને ઉવેખી કેવળ ક્ષણિક આવેશોનો જ ભડકો : સ્વતંત્ર તુલનાશક્તિનો હ્રાસ કરી ઉત્તેજના મૂકવાની જ રમણલીલા : એ કંઈ રોજીંદા પત્રકારત્વના ન નિવારી શકાય તેવા અનર્થો નથી. સાહિત્યદૃષ્ટિ પત્રકારત્વની શત્રુ નથી. દરેક લખાણ, છાપાંનું કે ચોપડીનું, જેટલું સાહિત્યરંગી બનશે, તેટલી એની ચોટ વધશે, એની માર્મિકતાને નવી ધાર ચડશે. એ ધારને સાહિત્યનું પાણી પાનાર નવો લેખકવર્ગ આપણા પત્રકારત્વમાં જોશભેર દાખલ થઈ રહેલ છે. એટલે થોડાં જ વર્ષોમાં આજના પત્રકારત્વના અનેક દુર્ગુણોમાંથી છુટકારો સંભવિત લાગે છે.

મુંબઈ
ઝવેરચંદ મેઘાણી
 
૨૧ : ૧૦ : '૩૫