પૃષ્ઠ:Veranman.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
વેરાનમાં
 


માએ સહેજ માથું ડોલાવ્યું. સૂંઠ મરીની ચીંથરી છોડતી એ કહેતી હતીઃ “એ કશુંએ મારે નથી સાંભળવું. મારું હૈયું ભાંગશો મા બચ્ચાઓ !”

“પણ મા !” બીજાએ સમજાવટ આદરી. “એ બધાએ તો ભેળા થઈને આપણા પ્રભુને ખંડિત કર્યો છે. ખેતરમાં આપણે જેમ ગાભાનો ચાડિયો કરીએ છીએ, તેમ મંદિરમાં એ બધા ભગવાનનો ચાડિયો બેસારે છે. આપણને શાસ્તર કહે છે કે માનવી પ્રભુની જ જીવતજાગત મૂર્તિ છે. ત્યારે પછી આપણને જાનવર કોણે બનાવ્યાં ?"

“જો માડી ! આપણે આપણો પરભુ બદલવો જ પડશે. એમાં છૂટકો નથી. સાચા પ્રભુને એ બધાએ જુઠ પાખંડના જરીજામા પે’રાવ્યા છે. આપણા સહુના આત્માઓને ભરખી જવા પ્રભુને એ બધાએ મોટા દાંત ને નહોર પે’રાવ્યા છે. આપણને બીવરાવવા એ બધાએ પ્રભુની મુખમુદ્રાને કદરૂપી કરી છે મા !”

[૩]

ડોશીનો દીકરો કેદખાને પડ્યો. કેમકે એણે લોકોને 'સાચી વાતો' કહી સંભળાવી.

ભાંગલી ડાંડલી વાળાં 'બેતાળાં' ચશ્માં ચડાવીને ડોશી ઓસરીમાં બેસતાં. દીકરાની ચોપડીઓનાં પાનાં ઉથલાવતાં. અક્ષરો બેસારતાં. સાઠ વર્ષની વયે ડોશીને અક્ષરજ્ઞાનની લગની લાગી.