પૃષ્ઠ:Veranman.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એના પગની પાની !
 


"હં-હં ! ત્યાં તે પાની લૂછાય?"

કહેતાં તો મારાથી કહેવાઈ ગયું છે; પણ તે પછીથી આજ સુધી મને બેચેની રહ્યા કરી છે.

વળી પાછી મારી જ બેચેની પર હું હસું છું; અરે બેવકૂફ ! એક ભાડુતી નાચનારીને તેં એટલું કહ્યું તેમાં આટલા લાગણીવેડા શા !

વાત આમ હતી: સીનેમાનો સ્ટુડીઓ તે દિવસની ઝરમરતી સંધ્યાએ કોઈ એક કામરૂ દેશનું રંગભુવન બની રહ્યો હતો. એક નૃત્યનો ‘સીન' લેવાતો હતો. પાંચેક જુવાન નર્તકીઓને સીનની જમાવટ કરવા તેડાવી હતી.

હું તો ત્યાં અકસ્માત જઈ ચડેલો.

કામરૂ સરદારના રંગીલા બેટાએ ચાબૂકનો ફડકો બોલાવ્યો: જંગલી ડમરૂ–નાદ અને શરણાઈના ચેંચાટ સાથે ચાર કામરૂ–કન્યાઓનું ખંજરી–નૃત્ય છંટાવા લાગ્યું.