પૃષ્ઠ:Veranman.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
વેરાનમાં
 


એનાં બે રહસ્યો જોડે છે. એ બે રહસ્યો કદાચ ઘણા ખરા સાહિત્યકારોનાં નિષ્ફળ સંસાર-જીવનની સમસ્યાને સમજાવનારાં થઈ પડશે.

પહેલું : એની સ્ત્રીએ એક “Genius” ને, એક વિભૂતિને પરણવાની ગંભીર ભૂલ કરી.

બીજું : સાહિત્યકારે પોતાની કૃતિઓમાં જ પ્રેમની અદ્ભુત જીવન-મસ્તી એટલી બધી ઠાલવી નાખી, કે પોતાની પ્રિયતમા પર ઢોળવા સારુ એના હૃદયમાં ઉભરા જ ન રહ્યા. ઉભરા હશે તો શબ્દો બાકી નહિ રહ્યા હોય.

એના પ્રેમપત્રો, એકસો ને ચાલીસ, હાલ તુરતમાં પ્રગટ થયા છે, પત્નીએ પતિપ્રેમના પુરાવા તરીકે આ સર્વ પ્રેમપત્રો સાચવીને તેનું પરબીડીયું બ્રિટિશ મ્યુઝીયમને સુપરદ કર્યું હતું. અને પોતાના વંશનો છેલ્લામાં છેલ્લો વારસ મૃત્યુ પામી જાય તે પછી જ એ પત્રો પ્રગટ કરવાની દુહાઈ દીધી હતી.

છેલ્લો વંશદીવો ૧૯૩૩ માં ઓલવાઈ ગયો એટલે એ મહાન સાહિત્યકારના આ પ્રેમપત્ર હમણાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તમામ પત્રો સોંસરો એક શ્યામ દોરો ચાલ્યો જાય છે. એ કાળો તાંતણો દંપતી-જીવનના છુપા કંકાસનો છે.

ઉભરાતા ઈશ્કની ફોરમ એ પત્રોમાં નથી. મસ્તી, મુગ્ધતા, બેવકૂફી, કાલાંઘેલાં કે બીજી કોઈ જાતની આવેશ–ચેષ્ટાઓથી એ પત્ર વંચિત છે. એટલુંજ નહિ પણ એક પ્રથમ શ્રેણિનો લલિત સાહિત્ય સર્જનારને સહજ થઈ પડે એવું કોઈ લાલિત્ય પણ આ પત્રોમાંથી સદંતર ગેરહાજર છે.