પૃષ્ઠ:Vevishal.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"તદન તકલાદી છોકરો છે. ફૂટી બદામ પણ કોઇ આપે તેમ નથી. આપણો જમાઇ થયો એ જાણે આપણો ગુનો! તકલીફ જ ન આપે ડિલને! મોકલું છું મોટર; દવાખાને મૂકી આવો." એવો જવાબ મોટા શેઠે ટેલિફોનમાં આપ્યો, મોટર મોકલી. સુખલાલ દવાખાને પહોંચ્યો. માંદગી લંબાયે ગઇ.

જુવાન સુખલાલ નાના શેઠનો જમાઇ હતો.લગ્ન હજુ નહોતાં થયાં. સગપણ તો બેઉ કુટુંબ સમાન કક્ષા પર હતાં - એટલે કે સુખલાલના બાપ તેમ જ આ બેઉ શેઠ ભાઇઓ વતનનાં ગામડાંમાં નાની હાટડીઓ રાખી કપાસ, ઘાસલેટ,અને ગંધારું ઘી વેંચતા - ત્યાર વેળાનું થયેલું હતું. પણ તે પછી સુખલાલના બાપ પોતાની માંદી પત્નીની સદાની સારવારમાં રોકાઇને ગામડે જ પડ્યા રહ્યા, ત્યારે આ વેવાઇ ભાઇઓ એક મુનિશ્રીનું વચન ફળ્યે વિલાયતી કાપડના ધંધામાં પડી મુંબઇ ખાતે મોટરવાળા બન્યા. તેમણે સુખલાલ વેરે વરાયેલી દીકરી સંતોકનું નામ બદલી સુશીલા પાડ્યું; અને એમની પત્નીઓએ દોઢિયા સાડલા ઉતારી પાંચ હાથની સાડીઓ ચડાવી, કાપડાંનાં સ્થાન ફૂલેલ બાંયનાં પોલકાંને ને પછી બ્લાઉઝને આપ્યાં;ને નાનાની વહુએ તો 'સ'ને બદલે પ્રત્યેક ઠેકાણે 'ચ' ઉચ્ચાર કરવાનો આગ્રહ રાખી 'સાચું છે' ને બદલે 'ચાચું છે' બોલવાની ભૂલો વધારી; અને સંતોકમાંથી સુશીલા બનાવેલી પુત્રીને માટે ઘરે સંગીત, સંસ્કૃત તેમ જ અંગ્રેજી, એમ ત્રણ વિષયના શિક્ષકો રાખ્યા. સુશીલા નાનપણથી જ પૂરી સાડી પહેરતી થઈ ગઈ.

પછી તો મૂંઝવણ, બસ, એક જ રહી હતીઃ આવી નમણી અને સંસ્કારી પુત્રીનું સગપણ પેલા સુખલાલની સાથે શી રીતે ચાલુ રાખવું?

સુખલાલના બાપને ઘણું સમજાવવામાં આવ્યા હતા કે, જમાઈને અમારી જોડે મુંબઇ મોકલો: ભણાવીએ-ગણાવીએ, ને પછી કામે લગાડીએ. સુખલાલના બાપે તો સુખલાલને કહ્યું કે, "ભાઇ, તારું જો સુધરતું હોય તો તું જા," પણ સુખલાલનું મન માનતું નહોતું. મા