પૃષ્ઠ:Vevishal.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"બીજું તો કાંઇ નહીં, મારી મા માંદી છે; બાપા પાસે ખરચી નથી. હું આંહીં છ મહિનાથી સડું છું, નાનાં ભાઇબે'ન છે, ખરચી ઝટ પહોંચે તો માંદી માતા સંતોષ પામીને, કોને ખબર છે, જીવીય જાય..."

એથી વધુ સુખલાલથી ન બોલી શકાયું. આ બધું સાંભળ્યા પછી ક્લાર્કને મનમાં બહુ ભોંઠામણ થયું. એણે વાતને જરા વિનોદમાં લઇ જવા ટકોર કરી : "ને પાછાં 'મૅરેજ' પણ થયાં હશે, છોકરાં પણ હશે - ખરું ?"

"ના, ના એ આફતમાંથી તો માંડ બચ્યો છું."

"શું કહો છો? હજુય માછલું જાળમાં નથી આવ્યું ?"

"આવેલો, પણ છટકી શક્યો છું."

"વિશ યુ ગુડ લક ! તમારું સુભાગ્ય ઇચ્છું છું," એમ કહીને ક્લાર્કે રસીદ એના હાથમાં મૂકી. એટલે એ લઇને સુખલાલે કહ્યું : "દુ:ખના માર્યા થોડી ઉતાવળ થઇ ગઇ તે બદલ માફ કરજો, હો ભાઇ !"

"ધેટ્સ ઑલ રાઇટ !" ક્લાર્કે હાથ ઊંચા કરીને જવાબ દીધો. અને પછી એણે કહ્યું : "મારેય દેશમાં વિધવા મા છે, મારી બે'નનાં ને મારાં સામસામાં લગ્ન થયાં છે. બહેનના દુ:ખનો આજે કાગળ હતો, એની ધૂનમાં હું ગરમ થયો હતો."

એક સમદુ:ખી ઉપર વગર સમજ્યે માછલાં ધોયાં તેવું સમજીને ભોંઠા પડેલા સુખલાલે મૂંગા મૂંગા પીઠ ફેરવી, એટલે સામે જ ઊભેલા ગૃહસ્થે એને જરાક અચકાતે થોથરાતે સ્વરે બોલાવ્યો :

"કેમ છો, શરીર તો સારું છે ને ?"

"ઠીક છે."

સુખલાલે એને ઓળખ્યા. એ હતા નાના શેઠ : સુશીલાના જન્મદાતા પિતા. એના ચહેરાની મુદ્રામાંથી હમણાં જ જાણે સુશીલા સળવળી ઊઠશે તેટલી બધી એ પિતાની મુખરેખાઓ પુત્રીની મુખરેખાઓને મળતી હતી.

એવું સામ્ય ધરતા ચહેરા પર ગુસ્સો કરવાનું, સુખલાલની ઈચ્છા