પૃષ્ઠ:Vevishal.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સગપણ થયાની હોય તો હું આપણી ન્યાતની પાસે હાજર થઇને એકરાર કરવા તૈયાર રહીશ, કે મારું જીવન કોઇ પણ સ્ત્રી સાથે લગ્નને લાયક નથી, હું કોઇના જીવતર પર છીણી મારવા નથી ચાહતો..."

એટલું કહેતાં કહેતાં વિજયચંદ્રે પોતાની આંખોમાંથી દડ દડ દડ પાણી વહાવ્યાં. એ પાણીની ધારા એનાં ચશ્માંની આરપાર વધુ સુંદર લાગી. અમુક પ્રકારના સૌંદર્યનો આ નિયમ હોય છે : એની શોભા સીધા દર્શનમાં જેટલી પમાય છે, તે કરતાં કોઇક કાચ જેવા પદાર્થની મારફત વિશેષ પામી શકાય છે.

વિજયચંદ્રના ગોરા ગોરા ગાલ પરથી દડતાં આંસુ દેખી એનું પાપકૃત્ય નજરે જોનારો માણસ પણ પોતાને ભ્રમિત માનવા લલચાય; એ પાપાચારી આ નહીં હોય, આપણી જ નજરની ભ્રમણા હશે, એવું કંઇક આપણું દિલ બોલવા લાગે.

"હું આંહીં રહેવાનો પણ નથી. હું મારું કલંકિત મોં આપની પાસેથી છુપાવીને સિલોન, બ્રહ્મદેશ, સુદાન અથવા એડન એટલે દૂર ચાલ્યો જઇશ. હું આ બધો જ એકરાર આપની પાસે લખીને લાવેલ છું. આ લ્યો, મારું માથું આપના હાથમાં મૂકું છું."

એમ કહેતે કહેતે એણે એક સીલબંધ લિફાફો મોટા શેઠની સન્મુખ ધરી દીધો. તેની ઉપર લખ્યું હતું :

'એક આત્માની કથા.'

ચંપક શેઠના મોં પર પોતાની વાણીની અસર થતી દેખીને એણે ચલાવ્યે રાખ્યું :

"મેં તો મારા બે પિછાનવાળા ભણેલા જુવાન જ્ઞાતિભાઇઓને પણ આપનાં પુત્રીને માટે નિરધારી રાખેલ છે. હું તે દિવસ એમની સાથે ટ્રેનમાં દાદર સુધી ગયેલો ત્યારે પણ એ જ મારો હેતુ હતો. મને આપની પુત્રીનો પણ ગેરલાભ લેવાનો ભયંકર વિચાર થઇ આવેલો. હું ઇશ્વરસાક્ષીએ પાપછૂટી વાત કરું છું. એમણે મને જે લખેલું તે હું વટાવવા નીકળું તેટલી નીચતાની હદે ચાલ્યો જાત, પરંતુ પ્રભુએ મને વખતસર ઉગારી લીધો. આપની પુત્રીનું એ લખાણ પણ આ કવરમાં જ છે.