પૃષ્ઠ:Vevishal.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ના, રાં...શબ્દને કાઢી નાખવો જોશે, એમ બબડતો પોતે 'કાં સંતોકડી ! એલી એય ઢેફલી !' વાળા ભૂતકાળના પ્રયોગને ગોખતો ગોખતો મહાવરો પાડતો ગયો. અને પોતાના હૈયાને હાકલી રાખતો ગયો કે 'બસ, હસતું જ મોઢું રાખવાનું છે. બસ, પછી નિરાંતે જ વાત કરવી છે. બીક જ એક છે, કે સુશીલા જો કદાચ જોતાંની વાર જ 'મારી બાને કેમ છે?' એમ પ્રશ્ન કરશે તો...તો...' એટલું બબડતાં બબડતાં એના ચાલુ ચિંતનમાં મોટો ચીરો પડ્યો. જાણે કોઇ કબાટનો આખો અરીસો ચિરાયો.

ઘેર પહોંચીને એણે ઓચિંતાનું જ્યારે ભાન અનુભવ્યું, કે પોતે કલ્પેલા પોતાની ગરીબી-અવસ્થાવાળા માટીના ઘરને બદલે પાકું ચૂનાબંધ મકાન ઊભું છે, ત્યારે જ એણે મનમાં કરેલી ગોઠવણ, વેકૂરીના માંડ વાળેલા લાડુની માફક, હાથમાં ને હાથમાં ભરભર ભૂકો થઇ ગઇ. જે મકાનમાં પોતાને શરણ મેળવવું હતું તે પણ મોટાભાઇની જ કમાણીનું ચણેલું નીકળી પડ્યું. 'તારા પુરુષાર્થનો અહીં એક પથ્થર પણ નથી મંડાયો.' એવી જાણે કે એ આખો ઇમલો ચીસ પાડતો હતો. જૂનું ધૂળિયું ઘર હોત તો તેનો અરધ ભાગ પોતાના હકનો કહેવાત. પૈસા પૈસાનું ગ્યાસલેટ અને ચોરેલા દાણાનાં ખજૂર-ખોખાં વેચવામાં વધુ પાવરધો નાનો ભાઇ જૂના ખોરડાનો વધુ હકદાર બની શક્યો હોત. પણ મુંબઇની નવી શ્રીમંતાઇમાં એના પુરુષાર્થનો હિસ્સો ઓછો હતો અને મોટાભાઇએ ગઇ કાલે કહી દીધું હતું કે '...ઊભો રહેવા નહીં દઉં.' પત્નીએ કહ્યું હતું કે 'મોટાભાઇનાં જૂતાં ઉપાડવા જેટલીય બોણી તો નથી !'

બાજુની એક કુટુંબી વિધવાના ખોરડાને દબાવીને ખડું થયેલું આ પાકું મકાન મોટાભાઇનું જ છે, ધક્કો મારીને એમાંથી મોટાભાઇ બહાર કાઢી મૂકુ શકે તેમ છે. ધારે તો મોટાભાઇ ગૃહપ્રવેશનો આરોપ પણ મુકાવી શકે છે, વગેરે વિચારો સાથે પોતે અંદર પેઠો. ભાભીને જોયાં ને એનું ગોઠવી રાખેલું રહસ્ય ભડકો થઇ ગયું; સુશીલાને દીઠી અને