પૃષ્ઠ:Vevishal.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખવરાવે, ને આબરૂદારોની આબરૂ પાડતા ફાટ્યા ફરે."

"આપણા કામને એની કશી અસર થતી નથી."

"ના, મેં તો ઊલટાનું એને આવીને લઈ જવાનું કહેલું ; પણ આ તો તેમની નાણાં કઢાવવાની રીત છે. મૂળ આ આવેલો લાંચ ખાવા."

"ખેર.", વિજયચંદ્ર પોતાની અધીરાઈને છુપાવતો છુપાવતો મૂળ વાતના તૂટેલા ત્રાગડા સાંધવા ઉતાવળો થયો. કેમ કે એના ઘરના મુકદ્દમાની તો ઘરમેળે માંડવાળ જ થઈ ગઈ હતી.

"તમે મારી સુશીલાને સુખી કરી શકશો ? તમને ખાતરી છે ?" ચંપક શેઠે વાર્તાલાપ આગળ ચલાવ્યો.

"પોતે જ શા માટે છતી આંખે મારું કે કોઈ બીજાનું જીવતર હોળીમાં હોમું ? આ જુઓ."

એટલું કહેતે વિજયચંદ્રે ગજવામાંથી કાગળોની થોકડી કાઢીને ચંપક શેઠ સામે ધરી કહ્યું : "આટલાં કહેણ છે. મારા માથે તરપીટ પડે છે. પોલીસે કેસ ઊભો કર્યા પછી પણ આવેલા આ કાગળ જુઓ."

ચંપક શેઠે કદાચ જોવા યત્ન કર્યો હોત તોપણ એ કાગળોની બનાવટને પકડી ન શકત. જુદા જુદા હસ્તાક્ષરમાં ને નોખીનોખી શાહીઓ વડે લખેલા એ કાગળો હતા. પ્રત્યેક કાગળમાં એક એક કુંવારી કન્યાનો પિતા કાકલૂદી કરતો હતો : વિજયચંદ્ર જો પાણિગ્રહણ કરે તો તેમાંનો કોઈક પિતા પાંચ હજાર ગજવે ઘાલવા, તો કોઈક બીજો પિતા પોતાનો સમસ્ત વારસો એને ચરણે ધરવા તૈયાર હતો. એ બધા પિતાઓની હયાતી વિજયચંદ્રના ગજવા ઉપરાંત પૃથ્વી પર કોઈ ઠેકાણે હતી કે કેમ, એ પ્રશ્ન પૂછ્યો કોઈને ન સૂઝે. ઉંમરલાયક બનેલી પુત્રીના પિતાઓ આ જગતમાં વધુમાં વધુ લાચાર માનવીઓ હોય છે.

"મારી બડાઈ હાંકવા કે આપની આંખો આંજી દેવા માટે હું આ નથી બતાવતો. આજ સુધી નથી બતાવેલ તેનું એ જ કારણ હતું. હું આપની સંકડામણનો ગેરલાભ લ‌ઉં તો મારી કેળવણી ને મારું કુળ બેઉનો દ્રોહી બનું. આજે બતાવું છું તે તો આપને મારા હૃદયની ખાતરી