પૃષ્ઠ:Vevishal.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરાવવા. કેમ કે મારી મથરાવટી આજે મેલી થઈ છે. મારી જે રક્ષા આજે આપે કરી છે, તેનો બદલો હું એક જ રીતે વાળી શકું તેમ છું : આપને આપવા જેવું મારી પાસે મારું સ્વતંત્ર જીવન છે, તે હું આપી દઈશ. આપના આખા કુટુંબની એકમાત્ર જે મૂંઝવણ, તેને હું મારા માથા પર હું ઉઠાવી લઈશ. થોડા દિવસ પર હું આપની પાસે મારી શરતો મૂકીને દબાવતો હતો, આજે હું પોતે જ જે કહો તે શરત નીચે દબાવા તૈયાર છું."

"તાત્કાલિક લગ્ન કરી શકશો ?"

"પૂછો છો શા માટે ? આજ્ઞા જ કરો."

"વિલાયત ક્યારે જવું છે ?"

"આપ રજા આપો ત્યારે."

"એકલા જશો કે ?"

"હવે એકલા વિલાયત જવાની મારી હિંમત જ નથી. આપ રજા દેશો તો જ અને સાથે મોકલશો તો જ મારે જવાનું છે, નહીં તો જવું નથી."

એક પ્રતિષ્ઠાવંત મિલમાલિકના પ્રતિનિધિ બનીને વિલાયત જનારા જમાઈની અને એ ફૂલહારે લચી પડતા જમાઈને પડખે ગળાબૂડ ગુલાબના હારોમાં શોભતી પોતાની પુત્રીની -- બેલાર્ડ પિયર પરના એક 'પી. ઍન્ડ ઓ' મેઈલ-જહાજ પર ચડતી એવી બે પ્રતિમાઓ ચંપક શેઠની કલ્પનામાં રમી રહી. પોતે કલ્પના કરી, ને પોતાની કલ્પનામાં નિહાળી પોતે જ આભો બની રહ્યો. પોતાની એકોતેર પેઢીઓને પોતે એ કલ્પના વડે તારી રહ્યો હતો. એ કલ્પના સાચી પડશે ત્યારે અમારી કીર્તિનો રથ પૃથ્વીથી સવા વેંત ઊંચેરો ચાલશે. ગામડાંનાં સગાંવહાલાં અને જ્ઞાતિભાઈઓ 'ધન્ય છે ! ધન્ય છે !' બોલશે. મિલોવાળા શેઠિયા અને દેશ્પરદેશી સાહેબો તે દિવસ અભિનંદન આપવા આવશે કે ચંપક શેઠ, તમારું કુટુંબ આટલું સંસ્કારી છે એની તો અમને ખબર જ નહીં.

આ તે શું ફક્ત સંતાનહીન પિતાના હૈયાના ગુપ્ત મનોરથો હતા ?