પૃષ્ઠ:Vevishal.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કે પોતાની અસલ જમીનમાંથી એકાએક ઊખડી પડીને શ્રીમંતાઈના ફૂલબાગમાં રોપાયેલાં સુવર્ણનાં ઝાડવાં સમાં માનવીનાં આ ઘેલાં હતાં ? પોતાની ધરતી તો વછૂટી ગઈ, પરાઈ અને અજાણી ભોમમાં જરીક મૂળિયાં બાઝ્યાં -- પછી શું માનવીના વલવલાટો આવા કોઈ સાફલ્યને શોધતા હશે ? વારસહીનોના, પુત્રહીન વાંઝિયાઓના એ વલવલાટ ! ઓચિંતી આવી પડેલી લક્ષ્મીની એ વ્યાકુળતા ! એ પોતાની સાર્થકતા શોધે છે. એ જગતના કાન પર દાંડી પીટી પીટી ઘોષણા કરવા ચાહે છે કે, 'જુઓ, જુઓ, હું જે છું તે અસ્વાભાવિક નથી, ક્ષુદ્ર નથી, ઉપેક્ષા કરવા લાયક નથી. હું છું, હું કંઈક છું, હું ઘણું બધું છું.'

"એક વાતે તમને ચેતાવું," ચંપક શેઠે બેલાર્ડ પિયર પરથી કલ્પનાને પાછી વાળીને વિજયચંદ્રને યાદ આપ્યું : "સુશીલાના મગજ ઉપર કંઈક માઠી અસર તમારાં ઓલ્યાં બે'નના બોલવાથી થઈ છે એટલે..."

"એ બન્યું ત્યારે હું જરા મોડો પહોંચ્યો હતો. મને એ જાણ થઈ તે ઘડીથી જ મેં એ મિત્રની ને એમનાં પત્નીની -- જેને હું પણ ધર્મની બહેન માનતો તેની -- સોબત છોડી છે, તેમના ઘરનો માર્ગ પણ છોડી દીધો છે. હું કબૂલ કરું છું કે ઘણાં વર્ષો સુધી હું છેતરાયો જ હતો. મારા ભોળપણ ઉપર કહો કે મારી મૂર્ખાઈ પર કહો -- એ બેય જણાં આબાદ રમત રમી ગયાં છે. પણ એમણે મને ફૂંકી ફૂંકી ફોલી ખાધો તે તો મેં બહુ મોડું જાણ્યું. ને મારી આંખો ઉઘડાવનાર પણ આપનાં પુત્રી જ બન્યાં -- તે દિવસથી જ મને થયા કર્યું છે કે મારા જેવા બેવકૂફ ભોળા પુરુષને સદા સાવધાન રાખે એવી સ્ત્રીની જ જરૂર છે. મારે કાંઈ મૂંગી મૂંગી પૂજા કરનારી ને હામાં હા ભેળવનારી ગુલામડી નથી જોઈતી. એ જ્ઞાન થયું છે ત્યારથી તો મને પશ્ચાતાપ જ થયા કર્યો છે, કે એમને ભણાવવા-ગણાવવા ને સંસ્કારો પાડી મારે લાયક બનાવવાની કેવી શેખી હું કરી બેઠો ! ઊલટાનું હવે તો મને મારી