પૃષ્ઠ:Vevishal.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"જે પડે તે ભોગવવાને માટે?"

"પણ કોને માટે ?"

"મારા એકલીના માટે નહી."

"ત્યારે ?"

"અમારા સૌના માટે."

"તૈયારી ન હોત તો આટલો હઠીલો બનીને લાગ્યો શા માટે રહેત ?"

"બાપા તૈયાર છે ?"

"પૂછ્યું નથી."

"પાછા જશો ? બાપને તેડી આવશો ? કાલ સવાર પહેલાં આવી શકશો ?"

"સવારે શું છે ?"

"મારા મોટા બાપુ વિજયચંદ્રને લઈને આવે છે - પરણાવી દેવા આવે છે. મારા બાપુએ ને ભાભુએ આપણા વેવિશાળની ગાંઠ વાળી છે. બેઉ જણા ઘર ત્યાગીને આંહી આવ્યા છે - આપણા માટે. તમે ઝટ બાપુને તેડી લાવો."

સુશીલાના કંઠમાં ધ્રુજારી ઊઠી.

"મારા બાપુને ?"

"હા. હા, બાપુને !" સુશીલા ભાર દઈને બોલી.

"શા માટે ! હું પોતે જ જવાબદારી લઉં છું - પછી શું છે ?"

"ના, ના, હું તમારી એકલાની થઈને આવું નહીં. મને આવવાનું મન થાય છે, કેમ કે બાપુ છે, ભાંડુઓ છે, ઘર છે ને ઘરમાં વાછડી છે."

"બાપુ ન હોત તો ?"

"તો મારું મન કદાચ પાછું પડી જાત."

"બાપુ થોડા ના પાડવાના છે ?"

"મને રક્ષણ દેવાની ના તો નહીં પાડે. પણ એ મને ઘરમાં લેશે કે તરત મારા મોટા બાપુજી આપણા સૌ ઉપર તૂટી પડવાના. એની