પૃષ્ઠ:Vevishal.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"હું નીકળ્યો ત્યારે તો ચાંદલો કરવાય ઉઠી શકાણું નહોતું; સૂતે સૂતે જ દુખણાં લીધાં હતા. તે પછી કંઇ ખબર નથી."

સુશીલાનું ત્યાં થંભી જવું એને પોતાને જ કોઇ વિચિત્ર પ્રદેશમાં આવી પડ્યા જેવું લાગતું હતું. પોતાની સમક્ષ તદ્દન કંગાલ અને રેઢિયાળ ઢોર જેવો રજૂ કરવામાં આવેલો આ જે જુવાન, તેની વાણીમાં નવા નવા ઝંકાર ક્યાંથી ફૂટે છે? પોતાની થનાર સાસુની કાયમી બીમારી તો સુશીલાના ઘરમાં શાપો વરસાવવાનો તેમજ ગાળો કાઢવાનો એક કાયમી પ્રસંગ હતો. સુશીલાના મનમાં એ માંદી સાસુના ગંધાતા રોગનું એક ભૈરવ રૂપ સગાંઓએ સરજાવી દીધું હતું. પણ આ જુવાને આપેલા સમાચારમાં ભયાનકતા કરતાં દયાર્દ્રતા વધુ હતી. પુત્રને ચાંદલો કરવા ઊઠવાનો યત્ન જેણે કર્યો હશે, સૂતે સૂતે જેણે મીઠડાં લીધાં હશે ને મને સાંભર્યાનું જેણે કહ્યું હશે, તે સાસુ ભયંકર કેમ હોઇ શકે?

"તમે ઘરે કાગળ જ નથી લખતા?" એ હજુય અંદર ઊભી ઊભી નીચે જોઇ રહીને વિચારો કરી કરી પૂછતી હતી. એની આંખો આગલાં -પાછલાં બારણામાં જોતી હતી.

"હવે લખીશ."

"કેમ હવે?"

"તમારા ખુશીખબર... અને તમે એના ખુશીખબર પુછાવ્યા છે વગેરે." સુખલાલે કેરીનો રસ કાઢી લીધા પછી હાથ ધોતાં ધોતાં ઓરડા તરફ જોઇને કહ્યું, સુશીલાના ખુશીખબર લખતાં પહેલાં જાણે પોતે પ્રત્યક્ષ ખાતરી કરી લેવા ઉત્સુક હતો કે તબિયત તો સારી જ છે ને!

તબિયત તો અણધારેલા પ્રમાણમાં સારી લાગી. સહેજ શામળી પણ તેજ મારતી ચામડી હતી. એવી ચોખ્ખી આંખો બહુ થોડી છોકરીઓની જ હોય છે.વધુ વિગતો તો સુખલાલ જોઇ ન શક્યો. પારકી કન્યાના શરીર પર નજરના ઉંદરડા દોડાવવામાં રહેલું જોખમ એ જાણતો હતો. આ કિસ્સામાં તો જોખમ ઘણું મોટું હતું.

હજુય સુશીલા જતી નહોતી. એટલે સુખલાલ ભય પામવા લાગ્યો.