પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકાશકનું નિવેદન


પુરુષનો પરનારી સાથેનો અને સ્ત્રીનો પારકા પુરુષ સાથેનો અયોગ્ય શારીરિક સંબંધ તે વ્યભિચાર કહેવાય છે, અને તે ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ, લોકમર્યાદાની દૃષ્ટિએ અને રાજ્યની ન્યાય દૃષ્ટિએ નિંદાને યોગ્ય છે, અને એવા અવળે માર્ગે ચઢેલા સ્ત્રી-પુરુષો પરિણામે દુઃખી થાય છે; માટે તે રસ્તે ન જવા માટે અનુવાદકનો અને મૂળ મરાઠી લેખકનો લોકોને બોધ છે. કપટી, દંભી, ધૂતારાઓથી હમેશાં ચેતતા રહેવાની તેમાં પરોક્ષ રીત્યા શિખામણ રહેલી છે. શરીરની રચના અને વૈઘક દૃષ્ટિએ વિચાર કરતાં તથા સ્ત્રી-પુરુષોને વ્યભિચારથી થતા ભયંકર રોગોનો વિચાર કરતાં આ માર્ગ સર્વથા ત્યાજ્ય અને નિંદ્ય છે, એમાં તો કોઈને પણ વાંધો ઉઠાવવાનું કારણ નથી. પ્રીત, પ્રેમ, પ્યાર, મોહ, લુબ્ધતા, કામાતુરપણું, ઈશ્ક વગેરે શબ્દોના અર્થો અને શુદ્ધ દાંપત્ય ધાર્મિક પ્રેમ, એમાં ઘણો ભેદ છે, તેમજ અલંકાર શાસ્ત્રના તેમજ કામશાસ્ત્રના જાણકારો એ કયા અર્થમાં સ્વકીયા અને પરકીયા વગેરે નાયિકાના ભેદો દર્શાવ્યા છે તે વગેરે સમજ્યા વગર ઘણાઓ ફસાય છે; એટલા માટે સારા સંસ્કાર અને ધર્મજ્ઞાન-સદાચાર જ્ઞાનની અગત્ય આપણા ધર્મ શાસ્ત્રકારોએ માની છે તે ખોટી નથી. તેમાં પણ વિચાર કરી જોતાં જણાશે કે, વ્યભિચારથી પુરુષ કરતાં સ્ત્રીએ ઘણું દુ:ખ ભોગવવાનું હોય છે. કારણ કે પુરુષ તે સ્ત્રીને ફસાવી છુટી જાય, પણ સ્ત્રીથી તેમ બની શકતું નથી. પણ હાલમાં નવા જમાનામાં પસંદગી કરીને પ્રેમથી પરણેલી કેટલીક ભણેલી ગણાતી સ્ત્રીઓ, છુટાછેડાના કાયદાનો લાભ લઈ ધણી ઉપર ગમે તેવા આરોપ મુકી, ભરણ પોષણને નામે સારી રકમો ન્યાયાલયો દ્વારા કઢાવી, ગુપ્તરીતે એક પ્રકારનો વેશ્યાનો વ્યભિચારનો ધંધો માંડતી, અને બીજા ગૃહસ્થોને ફસાવતી પણ જોવામાં આવે છે. એટલા માટે વ્યભિચારના દોષથી લોકોએ દૂર રહેવું, એ આ અને આવાં અન્ય પુસ્તકોનો મુખ્ય સદ્દબોધ છે, અને હંસક્ષીરનીર ન્યાયે તે જ ગ્રહણ કરવા વિનંતિ છે. વ્યભિચારથી સમાજની બંધાયેલી વ્યવસ્થા તૂટે છે