પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૩
રાજાનો વિશ્વાસ કરવો નહિ

તે આપીશ.” રાજાએ પોતાના સેવક દ્વારા ઝવેરચંદને સંદેશો કહાવ્યો કે;-“તમે એકલા જ આ સેવક સાથે મારી કન્યા પાસે જાઓ એટલે તે પોતે જ તમને ઉત્તર આપશે.” આ સંદેશો સાંભળી પ્રધાન તરત તે સેવક સાથે રાજકન્યાના મહાલયમાં ગયો. રાજકન્યાએ તેનો સત્કાર કરીને તેને પોતાની પાસે બેસાડ્યો અને કુશળ સમાચાર પૂછી તે જ પાનદાન તેના હાથમાં આપીને કહ્યું કે;-“આમાંથી તાંબૂલ લઈ લ્યો !” એના ઉત્તરમાં પ્રધાને જણાવ્યું કે;-“બાઈ સાહેબ ! જ્યારે મારા રાજાની આજ્ઞા લઈને હું અહીં આવવાને નીકળ્યો ત્યારથી જ મેં એવી પ્રતિજ્ઞા કરી છે કે, જો આ કાર્ય સિદ્ધ થશે, તો જ તાંબુલ ભક્ષણ કરીશ, નહિ તો મરણ પર્યંત તાંબૂલને સ્પર્શ પણ કરીશ નહિ.” આ ઉત્તર સાંભળી રાજકુમારીએ કહ્યું કે;–“વારૂ ત્યારે અત્યારે તમે તમારી છાવણીમાં જાઓ અને હું પછીથી મારો મનોભાવ તમને જણાવીશ !” પ્રધાન પોતાની છાવણીમાં આવ્યો અને તેને સુરક્ષિતતાથી આવેલ જોઈને ગરીબ લોકોના મનમાં બહુ જ આનંદ થવા લાગ્યો.

ત્યાર પછી રાજકુમારીએ પોતાના પિતાને બોલાવીને કહ્યું કે:- “પિતાજી ! જ્યારે આપની એવી જ ઇચ્છા છે, તો હું મારા સંતોષથી જ, તે રાજાના ગળામાં વરમાળા આરોપવાને પોતે જ ત્યાં જવાને તૈયાર છું, માટે મારી સાથે જે માણસોને મોકલવાં હોય તેમને તૈયાર કરો.” એથી રાજાને અત્યંત સંતોષ થયો અને તેણે પોતાના મુખ્ય સચિવ તથા બીજા કેટલાંક માણસોને સાથે આપી કન્યાને તે રાજા પાસે પહોંચતી કરી દીધી.

પ્રધાન ઝવેરચંદ પોતાની ઇચ્છા પ્રમાણેનું કાર્ય કરી આવ્યો એટલે સંતુષ્ટ થઈને રાજાએ તેને મોટાં મોટાં ઈનામો આપ્યાં અને તેનું બહુ જ ગૌરવ કર્યું ; એટલું જ નહિ, પણ આગળ કરતાં પણ તેનામાં વિશેષ પ્રેમ રાખી પોતાનો ખાનગી કાર્યભાર પણ બધો તેને જ સોંપી દીધો. ત્યાર પછી રાજાએ તે સિંહલદ્વીપની સુંદરી