પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
રતિનાથની રંગભૂમિ

સાથે લગ્ન કર્યા અને રાજ્યનું કાર્ય પ્રધાનને સોંપી પોતે મહાલલયમાં જ આનંદવિલાસમાં અધિક સમય વીતાડવા લાગ્યો.

હવે પ્રધાનના દ્વેષ્ટાઓ વિચાર કરવા લાગ્યા કે;-“આ પ્રધાન એ રાજકુમારીના હાથે મરાઈ જાય અથવા તો એનાં નેત્રો ફૂટી જાય, એ ઉદ્દેશથી આપણે એને સિંહલદ્વીપમાં મોકલવાનો પ્રપંચ રચ્યો હતો, પરંતુ ત્યાંથી તો તે પોતાનું કાર્ય સિદ્ધ કરીને આવ્યો અને રાજાનો વિશેષ વિશ્વાસપાત્ર થયો, એટલે હવે એના નાશનો બીજો આપણે શો ઉપાય કરવો ?” છેવટે મશલત કરીને તેમણે રાજાના અંતઃપુરમાંના ખેાજાપર બસેં સેનામોહોરો એક દાસી દ્વારા મોકલી તે સાથે એક પત્ર પણ મોકલ્યું. તેમાં એમ લખવામાં આવ્યું હતું કે;–“સિંહલદ્વીપની રાજકન્યા પોતાના દેશમાંથી અહીં આવતી હતી એવામાં માર્ગમાં તે પ્રધાનજી પર મોહી પડી અને તે બન્નેનો પ્રેમસંબંધ થઈ ગયો; એમ અમારા જાણવામાં આવ્યું છે.” આવા પ્રકારની વાર્તા કોઈ ઉપાયે રાજાના કાને જાય, એવી યુક્તિ કરવી. અત્યારે એ મહેનતના બદલામાં બસેં મોહોરો છે અને કાર્યની સિદ્ધિ થશે, તો બીજી ત્રણસેં સોનામોહોર મોકલી આપવામાં આવશે !” એવી રીતે મોહોરો અને પત્ર લઈને દાસી અંત:પુરમાં ગઈ. તે વેળાએ તે ષંઢરાજ નિદ્રાને આધીન થયેલો હતો એટલે પત્ર ફોડીને દાસીએ વાંચ્યું અને પાછું બંધ કરીને ત્યાં રાખી દીધું. જ્યારે ખેાજો જાગૃત થયો ત્યારે તેને તે આપવામાં આવ્યું.

બીજે દિવસે પત્રમાં લખેલી બીના વિશે રાજમંદિરમાં દાસીઓ પોતપોતામાં સળવળાટ કરવા લાગી અને છેવટે એ વાત રાજાના કાન સુધી પહોંચી ગઈ. એ વાર્તા રાજાને સત્ય લાગવાથી બીજો કાંઈ પણ વિચાર ન કરતાં પ્રધાનને બોલાવીને તેણે પૂછ્યું કે:-“પ્રધાનજી! જો કોઈ પુરુષે વિશ્વાસઘાત કરીને પોતાના અન્નદાતા સ્વામીની સ્ત્રી સાથે વિપરીત વ્યવહાર કર્યો હોય, તો તે અપરાધની તેને શી શિક્ષા મળવી જોઈએ વારું ?” નિષ્કપટતાથી પ્રધાને ઉત્તર આપ્યું કે,