પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
ચપલા ચરિત્ર ચંદ્રિકા

ક્ષણ માત્રમાં પોતાના હાથે જ મારી નાખી અનિવાર્ય પશ્ચાત્તાપનો ભોક્તા થયો હતો, તે જ પ્રમાણે તારો મારામાં આટલો બધો અનુરાગ હોવા છતાં નિષ્ઠુર થઈને મારો ઘાત કરીશ, તો તને પણ તેવો જ પશ્ચાત્તાપ થવાનો. એટલા માટે વિચાર કરીને અત્યારે મને જવા દે, પછી તું જેમ કહીશ તેમ હું કરીશ !”

એ સાંભળીને તે સુંદરી કહેવા લાગી કે;-“તમારા માટે મારા પ્રાણ જાય છે, અને હું તમારા પ્રાણ બચાવું, એથી મને શો લાભ ? તમને બચાવવાથી પુણ્ય થવાનું નથી અને મારવાથી પાપ લાગવાનું નથી. બલ્કે, તમારા જેવા જે દુષ્ટ, સ્વાર્થસાધુ અને વિશ્વાસધાતક પુરુષ હોય તેમનો તો સ્ત્રીઓએ પોતાના કલ્યાણ માટે અવશ્ય ધાત કરવો, એવો જ મારો અભિપ્રાય છે.”


રક્તસેનની અાંતર કથા

રક્તસેને મદનમોહિની વેશ્યાને ઉપર પ્રમાણેની વાર્તા કહી સંભળાવી એટલામાં નગરનાં દ્વાર ઊઘાડવાની સૂચના આપનારી તોપ પડી; અને તે સાથે જ તે વેશ્યા રાજકુમારનું ગળું કાપવાને એક પગે તૈયાર થઈ ગઈ, પણ એ ક્ષણે જ દૈવયોગે તેના મિત્ર પ્રધાનપુત્રે બહારથી રાજકુમારને મોટે સાદે હાંક મારવાથી તેનો અવાજ સાંભળતાં જ વેશ્યાના હાથમાંની તલવાર નીચે પડી ગઈ, અને તેની જિવ્હા શુષ્ક થવા સાથે તેના શરીરમાં ભયંકર કંપનો આવિર્ભાવ થવા લાગ્યો. તે બન્ને હાથ જોડી રાજકુમારને પ્રાર્થના કરવા લાગી કે;-“મહારાજ ! જો અત્યારે મારા આ અન્યાય અને અત્યાચારની ક્ષમા આપી મારા પ્રાણ બચાવવાનું વચન આપતા હો, તો હું તમને છોડવાને તૈયાર છું. નહિ તો અત્યારે જ તમારા પ્રાણ લઈશ અને સાથે મારા પોતાના પ્રાણનો પણ ભોગ આપીશ. કારણ કે, તમે આ બંધનથી મુક્ત થતાંની સાથે અમસ્તા પણ મારા પ્રાણ તો લેવાના જ. આમ હોવાથી તમને મારીને પોતાને હાથે જ મરી જવું, એ વધારે સારૂં છે !”