પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦
રતિનાથની રંગભૂમિ

બહુજ શરમાઇને અને શોકાતુર થઈને કહેવા લાગી કે –“મને આ આટલા અપરાધની એક જ વાર ક્ષમા આપો; એટલે બીજી વાર હું કદી પણ આવી ભૂલ કરીશ નહિ.” એના ઉત્તરમાં હું બોલ્યો કે;-“ભ્રષ્ટ ભાર્યા ! ગમે તો પરણેલો હોય કે રાખેલો હોય, તોય કોઈ પુરુષ આવા સ્ત્રીના કુકૃત્યને સહન કરી શકે જ નહિ. એટલા માટે હવે મારી આશા છોડી દે જે; કારણ કે, હવે હું તને સ્વપ્નમાં પણ દૃષ્ટિગોચર થવાનો નથી. હવે તમે બન્ને આનંદથી મનગમતાં ભેાગ સુખને ભોગવ્યાં કરો !” આ પ્રમાણે કહી તત્કાળ હું ત્યાંથી નીકળીને મારી નોકરી પર જવાને ચાલ્યો ગયો.

અંતિમ પરિણામ

સુંદરીના તે નવા જારે કેટલાક મહિના સુધી તેના વિકારને શાંત કરી તેને દૃઢતાથી પોતાના મોહપાશમાં બદ્ધ કરી તેની પાસે જે કાંઈ પૈસા ટકા અને ઘરેણું ગાંઠાં હતાં તે બધાં કઢાવી લીધાં અને તે બધું પોતે જુગારમાં હારી ગયો. જ્યારે તે સ્ત્રી પાસે કાંઈ પણ ન રહ્યું ત્યારે તેને છોડીને તે કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો, તેનો કશો પત્તો જ કોઈને મળી શક્યો નહિ. નિર્વાહનું કાંઈપણ સાધન ન રહેવાથી તેણે નિરૂપાય થઈને ભરૂચમાં જ દુષ્કર્મની દુકાન ઉઘાડી અને વેશ્યાનો વ્યવસાય કરી તે પોતાનું પેટ ભરવા લાગી. એ ધંધામાં પડ્યા પછી થોડા જ દિવસમાં તેને ઉપદંશને વિકાર થયો અને તેથી તેનું શરીર કુરૂપ થઈ જવાથી કોઈ તેની સ્હામે દૃષ્ટિ પણ નાખતું નહિ, એવી અવદશા આવી લાગી. એક શરીરમાં ભયંકર રોગ અને બીજુ, ખાનપાન તથા ઐાષધોપચારનાં સાધનોનો વીસે વસા અભાવ એટલે રોગ અતિશય વધી જવાથી તેનાં અંગે અંગમાં ક્ષતો પડી ગયાં, તે ચુડેલ જેવી થઈ ગઈ, મહાદુઃખી થઈ અને અન્ન વિના ભૂખે મરવા લાગી, એ સમયમાં કેટલાક દિવસ સુધી ઘેર ઘેર ભટકી ભીખ માગીને તેણે પોતાના પ્રાણ ટકાવ્યા, પણ પછી સંધિવાયું થતાં જ્યારે ચાલવાની શક્તિનો પણ લોપ થયો, ત્યારે એક સાહેબનો ઢેઢ બટલર