પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩
વીરક્ષેત્રની સુન્દરી-૨

કે સંગવિના જ એક બીજામાં મુસ્તાક થઈને આંધળાં ભીત બની ગયાં હતાં, અને છેવટે સંગના સમયમાં એક કે બીજી રીતે મરણને આધીન થયાં હતાં, અર્થાત્ આવા પ્રકારનો પ્રેમ તે મનોદ્ભૂત વિકાર છે. તમે બંનેના તારુણ્ય અને મનોદેવે ઘણા જીવોના નાશની યોજના કરી રાખી છે, એટલા માટે હું એક ઉત્તમ કથા આપને કહી સંભળાવું છું તે સાંભળી સારનો સ્વીકાર કરીને પોતાના મૂળ જન્મ સ્થાનમાં ચાલ્યા જાઓ. નહિ તો છેવટે આપને પણ એક મોટા શાહૂકારના દીકરા કનૈયાલાલની પેઠે અવશ્ય પશ્ચાત્તા૫ જ થવાનો.”

આમ કહીને તે દાસી નીચેની વાર્તા કહેવા લાગી;-


વિકારવશ કનૈયાલાલની વાર્તા

પૂર્વે દેવદુર્ગમાં મુરલીધર નામનો એક શાહુકાર રહેતો હતો. તેને એક પુત્ર હતો અને તે કનૈયાલાલના નામથી ઓળખાતો હતો. એના જન્મસમયે એના પિતાએ બહુ ધન ખર્ચીને મોટો ઉત્સવ કર્યો હતો અને ત્યાર પછી તે જેમ જેમ મોટો થતો ગયો, તેમ તેમ તેને યોગ્ય વિદ્યાભ્યાસ પણ કરાવવામાં આવ્યો. તે જ્યારે તારુણ્યમાં આવી લાગ્યો તે વેળાયે તેના પિતા મુરલીધરનો સ્વર્ગવાસ થઈ ગયો. પિતાની ઉત્તરક્રિયા કર્યા પછી પુત્રે પોતાની પુંજી તપાસી જોઈ તો તે પાંચ લાખની નીકળી. તે કેટલોક માલ ખરીદીને બનારસ ગયો અને ત્યાં એક દુકાન ભાડે રાખી માલ વેચવાની શરૂઆત કરી. દુર્ભાગ્યવશાત ખરીદી કરતાં કીમત એાછી આવવા માંડ્યાથી વ્યાપારમાં ખેાટ જવા લાગી. એટલે તેણે ત્યાંના સર્વ વ્યાપારીઓને વિનતિ કરી કે;-“તમો મારા પિતાના લાંબા સમયના મિત્ર અને ગ્રાહક છો, મારા પિતાના મરણ પછી વ્યાપારમાંના મારા અલ્પ જ્ઞાનને લીધે હુ: અત્યારે ફસાઈ પડ્યો છું, એટલા માટે જો મને મદદ આપીને અત્યારે મને મારા માલનાં મુદ્દલ નાણાં પણ કરી આપશો, તો બીજી વખતે હું તમારા માટે ઘણો જ સારો સારો માલ લઈ આવીશ. નહિ તો પછી આ ગામમાં મારૂં આવવાનું હંમેશને માટે અટક્યું જ સમજવું.”