પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૧]
‘પ્રિયા મુખોચ્છ્‌વાસ વિકમ્પિતં મધુ’

ભાશાની આલીશાન ઈમારતના થંભ થડકતા હતા; મેડી હસતી હતી. મેડીને મોભારે બાંધેલી રૂપાની સાંકળવાળી ખાટ ખટક ખટક ખેલતી હતી. ચારે ખૂણેથી ચૂવાચંદન મહેકતાં હતાં. ધૂપસળીઓમાંથી ઊઠતી વિવિધ સુગંધી ધૂપની સેરો વાતાવરણ માદક છતાં નિર્મળું બનાવતી હતી. રિખવ શેઠે ખાસ વરદી આપીને કનોજ અને લખનૌના અત્તરિયાઓ પાસે તૈયાર કરાવેલ ઋતુને અનુકૂળ અત્તરની ફોરમ નાકને ભરી દેતી હતી. એમાં વળી ઓરડામાં ઠેકઠેકાણે પાથરેલ તાજા ખુશ્બુભર્યાં ફૂલની બિછાતો ઔર ઉમેરો કરતી હતી.

ખાટે હીંચકતા રિખવ શેઠનો ડાબો પગ, ભોંયતળિયે બિછાવેલા મીસરી ગાલીચા સાથે ઠેક લેતો હતો. જમણો પગ ઘૂંટણથી વળીને અદાપૂર્વક ડાબા પગ તળે ગોઠવાયો હતો. અને એ અર્ધ પલાંઠી વચ્ચે સહેજ ત્રાંસે ખૂણે સતાર ઊભી હતી. ઊંચે છતમાં ટિંગાતા ઝુમ્મરમાંથી પ્રગટતી રોશનીમાં ચકચકતા અસલ રેશમી પહેરણની પહોળી ખૂલતી બાંયોમાંથી બહાર નીકળતા રિખવ શેઠના ગૌરવર્ણા હાથનાં આંગળાં એ સતાર ઉપર રમી રહ્યાં હતાં. સતારનો સુમધુર ઝંકાર ગળતી માજમ રાત સાથે ઓગળી એકરસ થતો જતો હતો.

એક ઉપર બીજું, બીજા ઉપર ત્રીજું, એમ ટકોરખાનનાં ચોઘડિયાં વાગતાં જતાં હતાં. છેવટે સતારનો ઝંકાર બંધ થયો