પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'પ્રિયા મુખોચ્છ્‌વાસ વિકસ્પિતં મધુ'
૯૩
 

 અને એની જગ્યાએ શીશા અને પ્યાલીઓનો ખણખણાટ સંભળાયો.

સુલેખા ચોંકી ઊઠી. શીશા અને પ્યાલીઓ સાથેનું રિખવનું ચિત્ર સુલેખા માટે કલ્પનાતીત હતું. એ એટલી તો ડઘાઈ ગઈ કે શું બોલવું કે શું પૂછવું એય એને સુઝી ન શક્યું. દૃશ્ય જોઈને જ જાણે કે એ દાઝી ઊઠી હતી. કંપતે હોઠે માંડ માંડ બોલી શકી :

‘આ શું.. ?’

જવાબમાં રિખવ કશું બોલવાને બદલે માત્ર હસ્યો. એ હાસ્યના ખખડાટનો ધ્વનિ પણ પ્યાલીઓની કર્કશ ખણખણાટ સાથે મેળ લઈ ગયો.

સુલેખાની આંખે ચકર આવવા લાગ્યાં. શીશા સાથે અથડાતી પ્યાલીઓમાં જાણે કે નક્ષત્રમાળાના ગ્રહો એકબીજા સાથે અથડાતા હોય એવો ઉલ્કાપાત દેખાયો. એ આ દૃશ્યને વધારે વાર જોઈ ન શકી. દૃશ્ય અસહ્ય બનતાં બન્ને હાથમાં આંખો તેમ જ મોં ઢાંકી દીધાં.

ફરી રિખવ બેફામ હસ્યો. એ હાસ્યમાં જીવનને હસતાં હસતાં જ જીવી કાઢવાની વિલાસીવૃત્તિનો પડઘો હતો. અને સાથે સાથે સુલેખાના અજ્ઞાન અને ભોટપણાંની એમાં ઠઠ્ઠા પણ હતી.

સુલેખા ભયથી થરથરી ઊઠી. થોથવાતી જીભે એ જ પ્રશ્ન ફરી પૂછ્યો :

‘શું છે આ બધું ? શીશા અને પ્યાલા…?’

‘કોઈ દિવસ આસ્વાદ કર્યો લાગતો નથી !’

‘આસ્વાદ તો ઠીક, દર્શન પણ નથી કર્યાં.’

‘તો આજે આસ્વાદો. પેટ ભરીને પિયો. આ તો દેવોનું પીણું છે. કોઈ ધન્ય ઘડીએ આ મૃત્યુલોકમાં એ આવ્યું છે.’ આટલું કહીને રિખવે એક પ્યાલી સુલેખાના ઓઠ આગળ ધરી.

પણ તે દરમિયાન તો સુલેખાની અત્યંત સતેજ અને અરુચિવાળી