પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨
વ્યાજનો વારસ
 

 દલુએ રિખવભાઈના ખાટસવાદિયા તરીકે પાઠ ભજવવા માંડ્યો.

રિખવને આજ દિવસ સુધી સંગીત અને નૃત્યનો માત્ર શોખ હતો. હવે એને એ બાબતનો ચસકો લાગ્યો. સાથે સાથે રૂપદર્શનની પ્યાસ પણ વધતી ચાલી. ‘વસંતવિલાસ’માંનું પેલું ‘સ–કલંક મયંક’વાળું મોં જોવાને એ અધીરો બની રહ્યો. ગાલ ઉપર તલવાળા મુખારવિંદની એને રઢ લાગી. છેક નાનપણથી પૂજેલ એમીના મુખડાના એ હવે દિવાસ્વપ્નો અનુભવી રહ્યો.

દિવસો જતા ગયા તેમ તેમ રિખવનું મદ્યપાન પણ વધતું ચાલ્યું. દલુ અને ઓધિયાની તો કામગીરી જ રિખવ શેઠ માટે જૂનામાં જૂનો શરાબ અને નવામાં નવી સુંદરીઓ શોધવાની થઈ પડી. ચતરભજે સમયસર સમજી જઈને નાણાંની કોથળીઓનાં મોં મોકળાં મૂકી દીધાં. દલુ અને ઓધિયો એમાંથી ઉદાર હાથે વાવરવા લાગ્યા.

ઉત્તરાવસ્થાને કારણે આભાશાએ પેઢીની કામગીરીમાંથી ધીમેધીમે નિવૃત્તિ લેવા માંડી, પણ રિખવ શેઠ હજી એ કામગીરી સંભાળી લેવાને પ્રવૃત્ત થયા નહોતા. આ નાના શેઠ તો લગ્ન પહેલાં પેઢીના કામકાજમાં જે રસ લેતા એય લગ્ન પછી ઓછો કરી નાખ્યો.

દલુ, ઓધિયા ને ઉસ્તાદજીનો રસાલો લઈને રિખવ મહિનાના પંદર દિવસ તો બહારગામમાં જ ગાળે છે. જે થોડા દિવસ નછૂટકે ઘર–આંગણે ગાળવા પડે છે તે દરમિયાન પણ રોજ રિખવને જાણે કે કીડીઓ ચડ્યા કરે છે. ઘરમાં ક્યાંય ચેન પડતું નથી. જે સુલેખા પાછળ પોતે આટલા દિવસ ગાંડો બન્યો હતો એ સુલેખાનું મોં જોવું એ પણ રિખવને આકરું લાગે છે. લગ્ન પછીના પ્રથમ મિલનપ્રસંગે જ સુલેખાએ સંભળાવેલાં કડવાં સત્યોથી અપમાનિત થઈને રિખવ વિફર્યો હતો, એમાં એના