પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુલુ
૧૧૫
 

 મસ્તી તોફાન કરી રહ્યો હતો. ખલેલાંના ઝાડ ઉપર ચડીને ઘડીક ખલેલાંના ખિસ્સા ભરે તો ઘડીક કાંઠાના ખોયાણોની ખાલી બોખમાં ભરાઈને સાતતાળીની સંતાકૂકડી રમે.

નદીને એક કાંઠે બાવળની કાંટ્ય જામી હતી. બીજે કાંઠે એક ખખડધજ રૂખડો ઊભો હતો. એને છાંયડે ગામનાં ઢોરનું ખાડું બપોરાં ગાળતું પડ્યું હતું. ગામ અને મસાણખડીની બરોબર અધવચ્ચે આ રૂખડો ઊભો હતો. નનામી ઉપાડીને દેન દેવા જનાર ડાઘુઓ આ રૂખડાને છાંયડે ઠાઠડી ઉતારીને મડાનો ઉશીકા–બદલો કરતા, થાકી ગયેલા કાંધિયાઓ કાંધ બદલતા, રૂખડાના થડ પાસે પડેલી એક લાહોલાહ લાંબી કાળમીંઢ શીલા ઉપર ફટોફટ નાળિયેરો ફોડતા અને ગામની ભાગોળેથી પૂંછડી પટપટાવતાં પાછળ આવેલાં કુતરાંઓને વધીઘટી મીઠાઈઓ ઠાલવી દેતા. આ રૂખડા તળે હમેશાં નાળિયેરનાં છાલાં–છોતાં આડાં અવળાં રખડતાં જ હોય. એનો અજાજૂડ દેખાવ જોઈને માણસને મૃત્યુ જ યાદ આવે. આભાશાના ગામ જસપર અને મીંગોળાના મારગ ઉપર જ આ રૂખડો ઊભો હતો. જસપર ગામ સાથે એમીને બેવડાં સંભારણાં હતાં. પોતાના બાપ લાખિયારનું તો એ ગામ હતું જ પણ પોતાના બાલસખા રિખવ શેઠ પણ એ ગામના હતા. અત્યારે લુગડાં ધોતધિતાં જસપરની સડક ઉપર નજર નાખતાં એમી રોમાંચ અનુભવી રહી. રિખવ શેઠ યાદ આવતાં તરત એને ગુલુ યાદ આવ્યો, ગુલુના ડીલ ઉપરનું લીલું લાખું યાદ આવ્યું… એમી રોમે રોમે એ યાદની મધુરપ માણી રહી. પણ નણંદની નજર પોતાના મરકતા મોં ઉપર પડતાં એ શરમાઈ ગઈ અને લૂગડાં ધોતાં ધોતાં ધ્યાન પરોવ્યું.

રૂખડાની ડાળની એક બખોલ જેવી બેઠકમાં, ઢોરના ખાડાંની રખેવાળી કરતો ગામના ગોવાળનો છોકરો બેઠો બેઠો લાંબે લહેકે ગીતો લલકારતો હતો :