પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬
વ્યાજનો વારસ
 

 ખત–દસ્તાવેજો ભરેલાં પતરાંનાં ભૂંગળાંઓથી પેઢીનો એક ઓરડો આખો ભરાઈ જવા આવ્યો હતો. અનેક ખેડૂતોનાં ખેતરવાડી પણ આભાશાને ત્યાં આવી પડ્યાં હતાં. સોનારૂપાના દાગીના તો હવે પટારાઓમાં સામતાં નહોતાં. સંધી, સિપાઈ, ખાંટ, તરિયા, મતવા, મિયાણા, લોધા, ખસિયા, કારડિયા વગેરે ગરીબ કોમોમાં તો વર્ષોથી આ પેઢી કામકાજ કરતી જ, એ ઉપરાંત હમણાં હમણાં તો ચતરભજે ચારણો, આહીર, ભરવાડો અને રબારીઓમાં મોટા પાયા ઉપર ધીરધાર શરૂ કરેલી તેથી એ લોકોની ઘરવખરી, ઘી–દૂધના બોઘરાં, તાંબડાં, તપેલાં, હાંડા, ઘડા, કડાઈ, બકડિયાં, ઢોરની ઘૂઘરમાળો વગેરે પણ વખારમાં ઢગલાબંધ ખડકાયાં હતાં. આમ ચતરભજ માઠાં વર્ષમાં પણ લાખના બાર હજાર નહિ પણ બાર હજારના લાખ કરી બતાવે એવો કાબેલ મુનીમ હતો.

હમણાં હમણાં આ ‘ચતિયા’એ પેઢીના ઘરાકોમાં રાડ બોલાવી હતી. બાંધી મુદ્દત દરમિયાન નાણાં પરત નહિ કરનાર એકેએક લેણદાર ઉપર એણે તહોમતનામાં બજાવ્યાં. જપ્તીઓ અને હરાજીઓ તો આ મુનીમને મન રમતવાત હતી. આભાશાના ‘પહેલા ખોળાના પુત્ર’ તરીકેનું લોકો તરફથી મળેલું બિરુદ જાણે કે સાચું ઠરાવવા માટે જ ચતરભજે કોરડો વીંઝવા માંડ્યો હતો.

કોઈ પેટે બળતું કહેતું : ‘પારકા ઘરો ભરવા સારુ ચતિયો શું કામ આટલાં પાપનાં પોટલાં બાંધતો હશે ?’

તો વળી કોઈ ઘટસ્ફોટ કરતું : ‘ના, ના, ઈ તો પારકુંય અંતે જાતાં પોતાનું કરી લિયે એવો પહોંચવાળો છે.’

‘આભાશાનું તો આલાભાઈના દરબાર જેવું ખાતું છે. આવે વાય ને જાય પડવાય. એનાં તો લાખે લેખાં છે. સેંકડુ વરસની આસામી. એને જામતાંય વાર લાગે ને ઊખડી જતાંય વાર લાગે. ચતિયા જેવા ચોરટિયા ઘર ખાલી કરી જાય તોય દશવીશ વરસ સુધી કાંઈ ખબર ન પડે.’