પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




[૧૬]


લાખિયારની ક–દુઆ

સપર ગામમાં ચતરભજની ચૂસણનીતિએ ચસકો બોલાવી દીધો છે. આજ દિવસ સુધી આભાશા હસ્તક વહીવટ હતો ત્યાં સુધી તેઓ માથા ઉપર ઈશ્વરનો ‘ભો’ રાખીને કામકાજ કરતા. આભાશા ગમે તેવડા મોટા વ્યાજખોર હોવા છતાં તેમનામાં ભારોભાર માણસાઈ ભરી હતી. ગરીબોનાં ગળાં લ્હોવાને બદલે તેઓ ‘મારવો તો મીર’ એવી નીતિ રાખતા અને એ અનુસાર ચપટીમૂઠીમાં જીવ બગાડવાને બદલે એકે હજારાં કરવાની એમની રસમ હતી. પણ જેમ જેમ વાર્ધક્યનાં ચિહ્નો જણાવા લાગ્યાં અને પેઢીની કામગીરીમાં તેમણે સક્રિય રસ લેવાનું ઓછું કરી નાખ્યું ત્યારથી ચતરભજનું ચલણ વધતું ચાલ્યું. આ મખ્ખીચૂસ મુનીમે મીર મારવાની નીતિ છોડીને રાંકનાં હાંડલાં ભાંગવાનું કામ શરૂ કર્યું અને પોતાના વહીવટનાં થોડાં જ વર્ષમાં એણે પેઢીના ઘણાખરાં કળને ભૂખે મરતાં કરી દીધાં

ઓછામાં પૂરું બન્યું પણ એવું કે ચતરભજના વહીવટનાં બધાં જ વર્ષો એકેકથી વધારે પ્રમાણમાં માઠાં ઊતરતાં ગયાં. પરિણામે ખેડૂતોમાં પાથરેલી ઘણીખરી મૂડી ખોટી થઈ ગઈ. પણ એમ તો ચતરભજ પણ બેઠા પછી જ સૂવે એવો હતો. અંગઉધાર ધીરધાર તો એણે જિંદગીભરમાં કરી જ નહોતી. કરજદારનાં ઘરખોરડાં, માલમિલકત, દરદાગીના અને એમાંનું કશું જ ન મળે તો છેવટે ઘરનાં ઠામવાસણ પણ એ ગીરો પેટે રાખી લેતો. ઘરખોરડાંના