પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વ્યાજનો વારસ
 

 ધમલાના હાથમાં મૂકી. ધમલો એ લઈને હળવે પગલે અલમારી પાસે મૂકી આવ્યો.

માથા પરથી પાઘડીનું આવરણ દૂર થતાં આભાશાનું તગ તગ થતું ટાલવાળું તાલકું પ્રકાશી રહ્યું. કપાળ ઉપરથી પહોળાતું અને પાછળની ટાલ તરફ ઢોળાવમાં ધીમે ધીમે સંકોચાતું એ ડાલામથ્થું વાણિજ્ય અને શરાફીની સિદ્ધિઓના સમન્વયનો જાણે કે ઇતિહાસ ઉચ્ચારતું હતું. એ કપાળની વિશાળતામાં અને આંખોની અણીઓમાં વારસાગત વ્યાપારી હૈયા–ઉકલત અને વણિકશાહી કુનેહ વરતાતી હતી.

ચતરભજના ઇસ્કોતરા ઉપર ગામપરગામોની જુદા જુદા કદની જુદી જુદી લિપિઓમાં લખાયેલી હુંડીઓની થપ્પી થઈ ગયેલી જોઈને આભાશાને યાદ આવ્યું કે આજે હું પેઢીએ મોડો આવ્યો છું, અને મોડો થવાનું કારણ યાદ આવતાં જ તેમણે ધમલાને હુકમ કર્યો :

'ધમલા, જા, તું ઘેરે જઈને ઓશરીને ઓટે બેસ; ને સમાચાર આપે એટલે ઝટ આંહી કહેવા આવજે.'

શેઠના આ શબ્દો જે જે વાણોતરો સમજી શક્યા તેમણે પોતપોતાની કલ્પનાશક્તિને સતેજ કરીને એકબીજા સામે મર્મસૂચક મિચકારા કરી લીધા.

ઉપલક ટાંચણમાંથી પાકી ઉધારવહીમાં નામું ઉધારતા એક મહેતાજીએ તો હળવેથી પોતાના જોડીદારને કહ્યું પણ ખરું : ‘એલા, સાકર–ટોપરાંનો જોગ થાય એમ લાગે છે !’

વળતી ટીકા આવી : ‘બસ ? સાકર–ટોપરે જ પતાવશે, એમ ? સાકર–ટોપરાં તો ખારચિયે હડમાનેથીય જડે છે…’

‘ના, ના, તું તો કહીશ કે મને પાઘડી બંધાવો… નસીબદારનો દીકરો ન જોયો હોય તો !’

‘પણ પાઘડી બંધાવે તોય ક્યાં દૂબળે ઘેર વિવા છે ?