પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨
વ્યાજનો વારસ
 

 આવતાં આભાશા ગર્વ અનુભવતા. પોતાની સઘળી મિલકત ઉપર સુલેખાનો જ અધિકાર છે એમ આભાશાના મનમાં ઠસી ગયું હતું.

એક દિવસ આભાશાએ વીસપુર કાગળ લખીને લશ્કરી શેઠને બોલાવ્યા. બીજા કોઈને ખબર ન પડે એવી રીતે વેવાઈની હાજરીમાં તેમણે પોતાની સઘળી મિલકતનું ‘વીલ’ કરવાનું વિચાર્યું. એમાં માનવંતી તથા નંદનને જિંદગીભરના ભરણપોષણ પૂરતી સારી રકમો અને અમરત તથા દલુને નામે થોડી બક્ષિસ કાઢીને બાકીની બધી મિલકતનું એવું ઠરાવવાનું હતું કે પોતાની પાછળ પોતાને પુત્ર હોય એ પુત્રને બધો વારસો મળે. પણ પુત્ર ન હોય કે પુત્ર નિ:સંતાન મરણ પામે તો પોતાના મરણ પામેલા પુત્ર રિખવની વિધવા સુલેખાને મળે એવી જોગવાઈ થવાની હતી. પણ સુલેખા નિ:સ્પૃહી જીવ છે અને એ તો પોતાની મઢૂલી છોડીને આ આલીશાન મકાનમાં રહેવા જ નથી માગતી, એમ જાણવા મળતાં આભાશા મૂંઝાઈ ગયા. સુલેખાએ તો પિતાજી દ્વારા એમ કહેવડાવ્યું કે મારે તો આ વ્યાજની આવકમાંથી રાતી પાઈ પણ ન ખપે.

સુલેખાની આ ત્યાગવૃત્તિએ આભાશાના વસિયતનામા માટે મુશ્કેલીઓ ઊભી કરી.

છેવટે, લશ્કરી શેઠ પોતે જ પુત્રીને સમજાવવા ચાલ્યા.

*