પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મજિયારાં હૃદયની અશ્રુત્રિવેણી
૧૯૧
 

 ‘હાલતી થા હાલતી. માથાના મોડવાળી ! તારે હવે માથું કેવું ને મોડ કેવો ! હું પરણી તે દીથી જ તારા માથાનું તો મૂંડામણ થઈ ગયું છે....’

‘જીભ સખણી રાખ વંતરી !’

‘જા હવે જા, વંતરીવાળી ! જો મને શિખામણ આપવા આવી છો !’

‘પણ તું આવું ન બોલવા જેવું બોલે પછી આટલુંય ન કહું ?’ માનવંતી નરમાશથી ઉત્તર આપતી.

‘એમાં ન બોલવા જેવું છે શું એ કહીશ મને ? તારા માથાનું મૂંડામણ થઈ ગયું. થઈ ગયું, થઈ ગયું. લે હાંઉં હવે ?’ નંદન આવેશમાં આવી જતી.

‘સગી બહેન ઊઠીને આવું બોલતાં...’

‘બહેન–ભાંડરડાંનાં સગપણ તો કેદુનાં નાહી નાખ્યાં છે.’ નંદન કહેતી : ‘જો હું તારી સગી બહેન હતી તો આંહી મારો ભવ બગાડવા શા માટે ઢસરડી આવી ?’

‘સહુ સારી આશાએ બધું કરે, પણ કરમની ગતિની કોઈને થોડી ખબર છે ? કરમ અગાઉથી વંચાતાં હોય તો માણસ હાથે કરીને આવું...’

‘તે હાથે કરીને જ નાની બહેનને કૂવામાં ઉતારી છે. હવે તું બહેન શેની ગણાય ? મારી સાત ભવની શોક્ય ! નીકળ અહીંથી. તારું ડાચું બાળ !’

સાંભળીને માનવંતીના કાનમાંથી જાણે કે કીડા ખરતા હતા. પણ ગમ ખાઈને એ ફરી વિનવણી કરતી :

‘મને તારી શોક્ય ગણવી હોય તો ભલે શોક્ય ગણજે. પણ આ ખાટલે પડેલાની તો જરાક દયા ખા ! એનો આતમો બાળીને તું કિયે ભવે સુખી થાઈશ ? પરણ્યા ધણીના જીવને તો જરીક જંપવારો લેવા દે ! એને તો સંતોષ આપતી જા !’