પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૮
વ્યાજનો વારસ
 

ચાબખો માર્યો.

અમરત ચોંકી. આ ચાબખો એને ભારે ચમચમ્યો.

જે વાત હજી સુધી નંદનને પણ મેં જણાવા નથી દીધી એ કૂબાવાળી વાત આ કાળમુખાએ ક્યાંથી જાણી ? આ પ્રશ્ન અમરતને મૂંઝવી રહ્યો. અમરતે નહોતું ધાર્યું કે એને આવો સીધો સચોટ સવાલ કરવામાં આવશે.

અમરતની છાતીના ધબકારા વધી ગયા. દીવાને અજવાળે પણ ચતરભજ જોઈ શક્યો કે અમરતની આંખના ડોળા ચકળવકળ ફરવા માંડ્યા છે. અમરત ગમ ખાઈ ગઈ છે. ‘ચાબખો તો આબાદ ફટકાર્યો છે !’ ચતરભજે વિચાર્યું, ‘એ જ લાગની છે આ એકલપેટી !’

અમરતે ઓરડાની ચારેય ભીંતો ઉપર આદત પ્રમાણે નજર ફેરવીને ખાતરી કરી લીધી કે ચતરભજે ઉચ્ચારેલું આ ભયંકર વાક્ય ભીંતોનો એક પણ પથ્થર સાંભળી ગયો નથી. પાકે પાયે એટલી ખાતરી કરી લીધા પછી જ એની જીભ કાંઈક પણ બોલવા માટે સળવળી શકી :

‘એલા, તેં હમણાં શું બાફી નાખ્યું એ તું જાણે છે ?’ અમરતે દમ મારવાની શરૂઆત કરી.

‘હા, હા. જાણું છું. બધું જાણું છું. રજેરજ વાત જાણું છું. જાણ્યા વિના તો હું બોલત જ ક્યાંથી ?’

બીજો ચાબખો પહેલી વારના કરતાંય વધારે ચમચમાટી બોલાવે એવો હતો. અમરતનું જિગર નહોતું કે એ બોલ જીરવી શકે. પોતે આખા ગામની આંખમાં ધૂળ નાખી શકી. આ એક જ માણસને હું આંજી ન શકી ? આ એક જ મારી બાજી ઊંધી વાળશે ? અને તે પણ બીજું કોઈ નહિ ને મારા દીધેલા જ રોટલા ખાઈને મોટો થયેલો બે દોકડાનો આ વાણોતર મારી સામે ચાલવાની હિંમત કરી જાય ?

અમરતને હાડોહાડ ચાટી ગઈ. એણે મનમાં વિચાર્યું કે હવે તો આડે લાકડે આડો વહેર પાડ્યા વિના છૂટકો જ નથી. મુનીમ મારી