પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભોરિગેભોરિંગના લબકારા
૨૩૭
 

 ગાલના એ સંકોચનને સ્થળે વર્ષો પહેલાં પડતા ગલ ચતરભજને યાદ આવી ગયા. અત્યારે એ ગલની જગ્યાએ ઢાળકીઓ પડી ગઈ હતી એ જોઈને ચતરભજ જરા વિષાદ અનુભવી રહ્યો.

‘એલા, તું તે ગામમાં વસે છે કે ગામ બહાર ?’ અમરતે આજે પણ શિરસ્તા પ્રમાણે જ બોલવાની શરૂઆત કરી. ‘આટલા દિવસથી હું ગામમાં આવી ગઈ છું; પણ તું તો મોઢુંય નથી બતાવતો ! ભારે મોંઘો થઈ ગ્યો છો કાંઈ ?’

‘હું તો સાવ સોંઘો છું. અટાણે તો ફૂટી બદામનોય નથી રિયો.’ ચતરભજે કહ્યું.

‘સોંઘો હોત તો તો આટલા દિવસમાં એકાદ વાર પણ આ ઘરને ઉંબરે ચડવાનું ટાણું જડ્યું હોત, ગામ આખું હરખ કરવા આવી ગયું પણ તું તો…’

‘શોનો હરખ ?’

‘અરે વાહ રે મારા ચતુ !’ અમરતે ઘણાં વર્ષો પછી ચતરભજને પોતે આપેલા લાડકા નામે સંબોધ્યો અને પછી જરા ઠપકાભર્યા અવાજે ઉમેર્યું : ‘અજાણ્યું થઈ જાવાની તારી ટેવ હજીય ગઈ લાગતી નથી.’

‘પણ કાંઈ જાણતો ન હોઉં, ત્યાં સુધી તો અજાણ્યો જ રહું ને ?’

‘ગામ આખાને તો જાણ થઈ ગઈ.’

‘શેની ?’

‘મોટા ભાઈને ઘેર દીકરો આવ્યાની…’

‘એ તો હું જાણું છું કે, ભાઈને ઘેર દીકરો આવ્યો છે. એ તો મેં કેદુનું ધારી મૂક્યું તું એમાં નવાઈ શું ?’

‘તે તારે મન એનો કાંઈ હરખ જ નથી, એમ ને ? આટલે વર્ષે નંદનને પેટે દીકરો…’

‘નંદનને પેટે કે ઓલી કૂબાવાળીને પેટે !’ ચતરભજે પહેલો