પૃષ્ઠ:Vyajno Varas.pdf/૩૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વછોયાં
૨૯૫
 



ગંગા ને જમના ચરણ પખાળશે ને,
ઘેર ઘેર જમશું દૂધ ને ભાતાં હો જી...

હદ કરી. હવે બંધ કરો. નથી સંભાળતું, નથી સહન થતું. તમારો આવો આકરો ભેખ અમારાં માતૃહૃદયો જીરવી નથી શકતાં.

સુલેખા અને રઘી બન્ને જણીઓ વલોપાત વેઠી રહી છે. અલખ — અખેડાની વાતો કરનાર આ બાળનાથનો ભેદ જાણવા માટે સુલેખા ઉત્સુક છે. ત્યારે, રઘી ઉત્સુક છે, દોડતી જઈને બાળનાથને ભેટી પડવા માટે; એ તલખી રહી છે આ બાળકને પોતાના બાહુમાં ભીંસી નાખવા માટે, એને ઇચ્છા થઈ છે એ ગાયકના ગૌરવર્ણા મોંને ચૂમીઓથી નવડાવી મૂકવાની.

રઘીની નસોમાં લોહીના ધબકારા વધી રહ્યા છે. આજે એનું ચિત્ત સુલેખા તરફ નથી. રોજને રાબેતે અદ્‌ભુત રસવાળી કથાવાર્તા કહેવાનુંય એને યાદ આવતું નથી. સુલેખા અત્યારે મને અવલોકી રહી છે, એનુંય રઘીને ભાન નથી. ડેલીના બારણાં પાસે લાખિયાર ખાટલો ઢાળીને ખોં ખોં કરતો સંભળાતો હતો એની પાસે જઈને પોતાનો વલોપાત વ્યક્ત કરવાનું એને મન થઈ આવ્યું. પણ સુલેખાને કશોક વહેમ જશે એવી દહેશતે એ વિચાર માંડી વાળ્યો.

ગામમાં સોપો પડી ગયો છે. સઘળો બોલાશ બંધ પડી ગયો છે. અમીવર્ષણ ચાંદની મન મૂકીને ચોકમાં રેલાઈ રહી છે. ઘરમાં સહુ જંપી ગયાં છે. ચોવીસે કલાક ગાંડપણમાં બોલબોલ કર્યા કરતી અમરતને પણ અત્યારે જરાક જંપવાનું સદ્‌ભાગ્ય સાંપડ્યું લાગે છે.

આવા નીરવ વાતાવરણમાં રામસાગરના સૂર અદકા મનહર લાગે છે. દોકડ અને ભોરણ ઉપર પડતી થાપીઓ વધારે જોરદાર અવાજ ઉઠાડે છે. મંજીરાના રણકાર વધારે ઘેરા બને છે. ગાયકોનાં ગળાં પણ વધારે મીઠાં લાગે છે.