પૃષ્ઠ:Vyajno Varas.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
વ્યાજનો વારસ
 

 'ચોપડો તો શારદામાતા કહેવાય, એમાં સાચાંખોટાં કરનારને રધ ન રિયે.' ચતરભજે કહ્યું : 'પણ તારા જેવા અડબૂથને એની કિંમત જ ક્યાં છે? આટલાં વરસ થાવા આવ્યાં તો ખાતું સરભર કરવાનું તને સૂઝતું નથી.'

'ભાઈસા'બ, ઓણુંકી સાલ જાળવી જાવ તો તમારો પાડ - આટલા ભેગું આટલું વધારે.' લાખિયારે કહ્યું,

'એલા, અમે તી આંય સદાવરત ઉઘાડ્યું છે એમ સમજ છ ? કે આયા ખોડાં ઢોરની પાંજરાપોળ ભાળી ગ્યો છે ?' ચતરભજન મગજની કમાન ફરી છટકવાની તૈયારીમાં હતી.

'ભાઈ, સદાવરતનીય આ મોટે ખોરડે નવાઈ નથી. આ ડેલીને ઉંબરેથી તો હજારો અભ્યાગતું સંતો ખાઈને ગ્યા છ. ઓણુંકા માઠા વરહમાં આ લાખિયારને એક અભ્યાગત ગણીને ‘નભાવો તોય....'

“એલા હવે ઝાઝા ટાયલાં રેવા દે, સીધી સટ વાત કરી નાખ્ય, ખાતું ચૂકતે કરવું ન હોય તો ચોખી ના ભણી દે એટલે અમે અમારી જોગવાઈ કરતા થાઈએ. સાંકડા ભોણમાં જ્યાં લગણ ભોડું ન પેહે ત્યાં લગણ સાપ સીધો ન હાલે.' ચતરભજે છેલ્લી વાત કહી નાખી.

લાખિયારે નિઃસહાય બનીને આભાશા સામું જોયું અને બોલ્યો :

'શાબાપા મારે ઘેરે જપતી લઈને આવશે એમાં મારી તો શોભા નહિ જ રિયે, પણ શાબાપાનીય શાખ હળવી થાહે; ઘોડી ને ઘોડેસવાર બેયનાં ઘટશે...'

આભાશાને લાગ્યું કે લોઢું હવે બરાબર, લાલચોળ તપી ગયું છે અને ઘણ લગાવવાનો ખરેખર મોકો આવ્યો છે. તેમણે હળવેથી વાત મૂકી :

'જો લાખિયા૨, અમારો ચતરભજ તો જરાક આકરો છે