પૃષ્ઠ:Vyajno Varas.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ-કલંક મયંક
૭૫
 


વસ્ત્રોમાં સજ્જ થયેલી સુલેખા આ મૃત્યુલોકમાં ઊતરી આવેલી કોઈ યક્ષકન્યા જેવી લાગતી હતી.

અત્યારે સુલેખા ‘સુરૂપકુમાર’ નામના ચિત્ર માટે કલ્પનાવિધાન કરી રહી હતી. ‘પુરુષ’ અને ‘પ્રકૃતિ’ના સુભગ સંયોગના પરિણામ રૂપી વિશ્વના સમસ્ત જીવિતોના રૂપના પ્રતીક શા આ ચિત્રની વ્યક્તિને ‘સુરૂપકુમાર’, એવું નાજુકાઈભર્યું એણે નામ આપ્યું હતું. શૃંગારહાસકરુણવીર–રૌદ્રભયાનકાઃ બિભત્સાદભુતશાન્તાશ્વ નવચિત્રરસા સ્મૃતાઃ – ચિત્રકલાના નવેય પ્રકારના રસનિષ્પાદનનાં ભાવપ્રતીકો સુલેખાની જીભને ટેરવે હતાં. નજર સામેના જ શિલ્પમાં અજબ સાત્ત્વિક શૃંગારરસે ભર્યાં ભોગાસનોનાં દૃશ્યો ખડાં હતાં. શૃંગારરસની નિષ્પત્તિ માટેની સામગ્રી સૂચવતું કાન્તિલાવણ્ય લેખામાધુર્ય સુન્દરમ્‌, વિદગ્ધવેશાભરણં શૃંગારે તુ રસે ભવેત સુભાષિત ક્યારનું સુલેખાના મનમાં ઘોળાયા કરતું હતું. પણ એ પ્રકારની કાન્તિ, લાવણ્ય, રેખામાધુર્યની સુંદરતાવાળી તેમ જ વિદગ્ધ વેશ અને આભરણવાળી કોઈ વ્યક્તિનું અવલંબન સુલેખાને સાંપડી શક્યું નહોતું : કોઈ વ્યક્તિમાં કાન્તિ હોય તો લાવણ્ય ન હોય, અને લાવણ્ય તેમ જ કાન્તિ બન્ને હોય તો રેખામાધુર્યની ખામી હોય. બધી જ રીતે સુંદર કહી શકાય એવી વ્યક્તિ માટે સુલેખાની આંખો ખોજ કરી રહી હતી.

રિખવ સવારના પહોરમાં નાહી–ધોઈ, પૂજા કરીને પાછો વળતો હતો. તેના કાન્તિમય ખુલ્લા શરીર ઉપર અર્ધે ભાગે સાચા રેશમની પીતાંબરી શોભતી હતી. શરીર આખું સુખડચંદનથી મહેક મહેક થતું હતું. અંગેઅંગમાંથી, ઊગતી યુવાનીનું લાવણ્ય નીતરતું હતું. અનાયાસે જ તેની નજર વાંસો વાળીને ઊભેલી સુલેખા ઉપર પડી. ઘડીભર તો રિખવને ભ્રાંતિ થઈ આવી કે પોતે સ્વપ્નભોમમાં વિહરે છે કે શું ! કે પછી આ તો રસસ્વામી કવિ કાલિદાસની સૃષ્ટિનું પાત્ર છે ! તરંગભ્રૂભંગા ક્ષુભિત વિહંગશ્રેણિરસના…