પૃષ્ઠ:Vyajno Varas.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ-કલંક મયંક
૭૭
 

 સુલેખા ચોંકી. જાણે કે કશાકથી દાઝી હોય એમ એ ધ્રુજી ઊઠી. બીજી જ ક્ષણે આટલી બધી છૂટ લેનાર વ્યક્તિ ઉપર એને અસીમ રોષ ચડ્યો, એ ગુસ્સામાં, રિખવની આંગળીઓ તળે દબાયેલાં સુલેખાનાં ભવાં પણ થોડાં ઊંચાં ચઢી આવ્યાં.

રિખવના મનમાં ફરી પેલી કલ્પના તાજી થઈ : તરંગ ભ્રૂભંગા...

અને કાવ્યમદિરાના નશામાં એણે સુલેખાની આંખો વધારે બળપૂર્વક દાખી.

ગભરાઈ ઊઠેલાં પક્ષીઓની જેમ સુલેખાનાં અંગેઅંગ ફફડી ઊઠ્યાં.

કાવ્ય-નશામાં ચકચૂર રિખવને બીજી કલ્પના યાદ આવી : 'ક્ષુભિત વિહગશ્રેણિરસના...'

અને સુલેખાની આંખો ઉપર રિખવની હથેળીઓની ભીંસ વધારે ભીડાઈ.

સુલેખાનો રોષ, અસહાયતા, અસ્વસ્થતા બધું વધી પડ્યું. ક્ષોભની માત્રા તો એટલી બધી વધી ગઈ કે પોતાનો સાળુ ખસી ગયો છે એનું ભાન થતાં બંધ આંખો છતાં એ છેડો ખેંચીને બરોબર ગોઠવવા લાગી.

રિખવનો કાવ્યાનુભવ પરાકાષ્ઠાએ પહોંચ્યો. મોટેથી એ બોલી પડ્યો : 'વિકર્ષતી ફેન...' અને અજબ મીઠાશથી ખડખડાટ હસી પડ્યો.

સુલેખા પોતાના બાલગોઠિયાનો પરિચિત સ્વર પારખી ગઈ અને તરત બોલી ઊઠી : 'રિખવ, છોડ લુચ્ચા !'

ફરી રિખવ વિજયધ્વનિથી ગાજતું ખડખડાટ હાસ્ય હસી પડ્યો અને સુલેખાની આંખ ઉપર ભીડેલી ભીંસ છોડી દીધી.

આછી ભૂરી ઝાંયે ઓપતી સુલેખાની આંખની ધોળી ધોળી ફૂલ જેવી ચામડી ઉપર રિખવની સુકોમળ છતાં મજબૂત હથેળીની