પૃષ્ઠ:Yugavandana.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સંઘર્યા નથી લેશ સંતાપ,
નથી નથી મનમાં રાખ્યાં પાપ;
દોષ મમ સ્મરી સ્મરી પ્રશ્ચાત્તાપ
રડ્યો છું, સળગ્યો છું ઉરતાપ.
રામ સમા પણ લગ્ન-જીવનના દોહ્યલ ધર્મ ચૂકેલ,
હું પામર શું સમજું રે, પ્રિય, એ સહુ આંટી-ઉકેલ !
— શ્રાવણી૦

*


આપણા નહોતા પ્રીતિ-વિવાહ,
બેઉના હતા જૂજવા રાહ;
મૂઢ હું, તું ભર ઊર્મિપ્રવાહ,
ઘેર મુજ આવી – કોડ અથાહ.
કરમાયાં તુજ કુસુમ, વેલડી ! નવ ભાવેલાં નીર;
જીવન-જળ શોષાયાં'તાં મુજ, ન રહી તુજને ધીર !
— શ્રાવણી૦

*


આજ એ ઊમટ્યાં છે ઉર-વ્હેન,
પરસ્પર ટળ્યાં ભ્રાંતિનાં ઘેન;
નીતરે અમૃત આપણ નેન,
પૂરી થઈ ચક્રવાકની રેન.
રેન ગઈ, રે પ્રિય ચકવી ! જો ઉષા ઉઘાડે દ્વાર;
પ્રેમ-સરોવર ચરી પોયણાં નિર્ગમશું સંસાર.
— શ્રાવણી૦
લીધ તેં સેવાના સંન્યાસ,
મિષ્ટ કીધા કટુ એકલવાસ;

♣ યુગવંદના ♣
૧૩૧