પૃષ્ઠ:Yugavandana.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


 ૩૨. અંતરની આહ : ૧૯૩૧. સ્વતંત્ર. ગાંધીજીએ ગોળમેજી પરિષદમાં હાજર થવાની ના વાઈસરોયને લખી મોકલી તે પરથી એમની મનોવેદનાનું આલેખન.

૩૪, છેલ્લો કટોરો : ૧૯૩૧. ગાંધીજી ગોળમેજીમાં જવા નીકળ્યા ત્યારે તેમને કરેલું આ સંબોધન. ‘સૌરાષ્ટ્રનો પહેલો ફરમો ગુરુવારે સાંજે ચડતો. એ ગુરુવાર હતો. ગીત છેલ્લા કલાકમાં જ રચાયું. ભાઈ અમૃતલાલ શેઠે ‘બંધુ ‘બંધુ' શબ્દોને સ્થાને 'બાપુ' 'બાપુ' શબ્દો સૂચવ્યા. ગીત એમને બહુ જ ગમ્યું. ગાંધીજી શનિવારે તો ઊપડવાના હતા. અમૃતલાલભાઈએ આર્ટ-કાર્ડ બોર્ડ પર એની જુદી જ પ્રતો કઢાવી તે જ સાંજે મુંબઈ રવાના કરી – સ્ટીમર પર ગાંધીજીને પહોંચતી કરવા માટે.

બંદર પર આ વહેંચાયું ત્યારે રમૂજી ઈતિહાસ બની ગયો. કેટલાંક પારસી બહેનોને ઝેર, કટોરો વગેરેનો રૂપક પરથી લાગ્યું કે ગાંધીજીને માટે ઘસાતું કહેવાતું આ ક્રૂર કટાક્ષગીત છે. એમનાં હૃદયો દુભાયાં. તરત જ એક ગુજરાતી સ્નેહી બહેને કાવ્યનો સાચો ભાવ સ્પષ્ટ કર્યો ત્યારે પેલાં બહેનોનાં હૃદય આનંદિત બની ઊઠ્યાં.

૩૬. માતા, તારો બેટડો આવે : ૧૯૩૧. ગાંધીજી હતાશ હૈયે ગોળમેજીમાંથી વળતા હતા તે અરસામાં રચાયું. સ્વતંત્ર – સિવાય કે બે કડીઓની ઉપમાઓ રાણા પ્રતાપને સંબોધાયેલ ચારણી કાવ્ય 'બિરૂદ છહુતેરી'માંથી ઉઠાવી છે : :

૧. અકબર ઘોર અંધાર, ઉંઘાણા હિન્દુ અવર
જાગે જગદાધાર, પોહોરે રાણા પ્રતાપસી.

૨. અકબર સમદ અથાહ, ડુબાડી સારી દણી,
મેવાંડો ત્તિણ માંહ પોયણ રાણા પ્રતાપસી.

૩૯. છેલ્લી સલામ : ૧૯૩૩. સ્વતંત્ર. બ્રિટિશ મહાસચિવના કોમી ચુકાદા સામે ગાંધીજીએ બરોડા જેલમાં અનશન વ્રત લીધું ત્યારે. આ ગાંધીજીને મોકલ્યું હતું તેના જવાબમાં એમનું એક પતું મળેલું કે 'તમારી પ્રસાદી મળી. કવિતા સમજવાની મારી શક્તિ નહિ જેવી છે. પણ તમે મને ગોળમેજીમાં જતી વખતે જે પ્રસાદી મોકલેલી તે મને બહુ ગમેલી. તેની જોડે હું આને મૂકી શકતો નથી.'

૪૨. ઝંડાવંદન : ૧૯૩૧. સ્વતંત્ર.

૪૫. ઝંખના : ૧૯૨૯. સ્વતંત્ર. ‘સૌરાષ્ટ્ર' અઠવાડિકના પહેલા પાના પર મૂકવા માટે છેક છેલ્લી મિનિટોમાં રચાયેલું. આ કાવ્ય પ્રથમવૃત્તિ વેળા મૂકવાનું ચુકાઈ ગયેલું.

♣ યુગવંદના ♣
૧૬૭