પૃષ્ઠ:Yugavandana.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


રૂપિયો દેવો પડે સિપાઈને, હો ભાઈ!
રૂપિયો દેવો પડે સિપાઈને:
નથી દેતા તો ચામડા ચીરાય રે. - જેલના૦

પંદર "મીલેટ"નાં મેળાપ છે, હો ભાઈ!
પંદર "મીલેટ"નાં મેળાપ છે,
ભૂંડી! જાળવજે, રોઈ ના જવાય રે. - જેલના૦

રોશું તો પડશે મને ધોકલા, હો ભાઈ!
રોશું તો પડશે ધિંગા ધોકલા:
તારી નજરું સામે એ નૈ સહાય રે. - જેલના૦

મરિયમ નાની છે મારી દીકરી, હો ભાઈ!
મરિયમ નાની છે ડાહી દીકરી:
એને કે'જે' જાળીને ન અડકાય રે. - જેલના૦

મરિયમની કુણી કુણી આંગળી હો ભાઈ!
મરિયમની કુણી કુણી આંગળી:
એને ટેરવે અડું તો સજા થાય રે- જેલના૦

મરિયમને દુરથી બકા કરું, હો ભાઈ!
મરિયમને દુરથી બકા કરું:
તો તો જેલર ખારો થઇ ખિજાય રે. - જેલના૦

પૂછીશ નાં સુખદુખની વાતડી, હો ભાઈ!
પૂછીશ માં ભીતરની વાતડી,
મારા માફી તણા દનૈયા કપાય રે. - જેલના૦

બરધીઆને કાંધ હવે કેમ છે, હો ભાઈ!
(મારા) બરધીઆને કાંધ હવે કેમ છે?
રે'તા ભૂખ્યા કે રાતના ધરાય રે. - જેલના૦

♣ યુગવંદના ♣
૬૧